સેહવાગે કહ્યું- તેવટિયાને જાણે માતાજી આવ્યાં હોય એમ રમ્યો

September 28, 2020

નવી દિલ્હી : ક્રિકેટ અનિશ્ચિતતાની ગેમ છે અને એમાં કોઈ જ પૂર્વધારણા કામ નથી કરતી. રવિવારે શારજાહ ખાતે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની મેચે આ વાતને સાચી સાબિત કરતું વધુ એક ઉદાહરણ આપ્યું. 224 રનનો ટાર્ગેટ ચેઈઝ કરતા રાજસ્થાન રોયલ્સે 9 ઓવરમાં 2 વિકેટે 100 રન કર્યા હતા. જરૂરી રનરેટ વર્તમાન રનરેટ કરતા ઓછી હતી. રાજસ્થાનના ટીમ મેનેજમેન્ટે મેચ કંટ્રોલમાં હતી, તે સમયે ચોથા ક્રમે રાહુલ તેવટિયાને બેટિંગમાં મોકલ્યો. આ સ્ટ્રેટેજી પાછળનું મૂળ કારણ એ હતું કે, તેવટિયા ડાબોડી બેટ્સમેન છે અને તે પંજાબના બે જમોડી લેગ-સ્પિનર રવિ બિશ્નોઇ અને એમ. અશ્વિનને ફટકારે. પરંતુ આ વ્યૂરચના આરંભે ઘોર નિષ્ફળ રહી. જોકે પછી તેવટિયા એવું રમ્યો કે પૂર્વ ક્રિકેટર સહેવાગથી ય કહેવાઈ ગયું કે, 'તેવટિયાને જાણે માતાજી આવ્યા હોય તેમ આજે તેણે બોલર્સને ફટકાર્યા.'

સ્પિનર્સ સામે તાબડતોડ બેટિંગ તો દૂરની વાત છે, તેવટિયા સ્ટ્રાઇક પણ રોટેટ કરી શકતો નહોતો. તેણે પ્રથમ 23 બોલમાં માત્ર 17 રન કર્યા હતા. આ દરમિયાન 73.91ની સ્ટ્રાઇક રેટથી રમ્યો હતો. સામે છેડે વેલ, સંજુ સેમસન સહિત રાજસ્થાનની ટીમ અને તમામ ફેન્સ મૂંઝાય ગયા હતા. પૂર્વ ક્રિકેટર્સ અને ફેન્સે ટ્વિટર પર ટીકા કરવાનું શરૂ કર્યું. આકાશ ચોપરાએ કહ્યું હતું કે, રાજસ્થાને તેને રિટાયર્ડ આઉટ કરવો જોઈએ. જ્યારે માઈકલ સ્લેટરે કોમેન્ટ્રી પર કહ્યું કે, કેમિયો તમને મેચ નથી જીતાડતો. એટલે કે હીટરનું નાનકડું યોગદાન તમને મેચ જીતાડતું નથી. આટલા મોટા ટાર્ગેટમાં પ્રોપર બેટ્સમેનને જ મોકલવાનો હોય. હર્ષા ભોગલેએ તો કહ્યું કે- તેવટિયા તેની ટીમને મેચ હરાવી રહ્યો છે.