રાજકોટમાં વધુ સાતના મોત: એક દિવસમાં વધુ ૪૭ કેસ

July 27, 2020

રાજકોટ: શહેરમાં કોરોના વિસ્ફોટ થયો હોય શનિવારની સાંજથી આજે બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ૪૭નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. રાજકોટમાં કુલ કેસની સંખ્યા ૯૨૮ થઇ છે.જ્યારે વધુ સાત દર્દીના કોરોનાથી મોત નીપજ્યાં હતાં. ચાર દર્દીના સિવિલ હોસ્પિટલમાં અને ત્રણ દર્દીના ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યાં છે. શનિવારની સાંજ સુધીમાં છ દર્દીના મોત નીપજ્યા હતા. જ્યારે અમરેલીમાં કોરોના વિસ્ફોટ થતા ૩૮ કેસ અને દીવમાં સાત કેસ નોંધાયા અને ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.
સૌરાષ્ટ્રમાં રાજકોટ અને અમરેલી જિલ્લાઓ ઉપરાંત સૌથી વધુ ગંભીર સ્થિતિ ભાવનગરમાં જોવા મળી રહી છે. ભાવનગરમાં કેસની સંખ્યા ૧૧૫૦ ઉપર પહોંચી છે. જોકે રાજકોટ શહેર અને ગ્રામ્ય મળીને કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૩૩૬ પર પહોંચી છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી સરેરાશ ૫૫ કેસ નોંધાઇ રહ્યા છે. ગઈકાલે શનિવારે એક જ દિવસમાં રાજકોટ શહેરમાં રેકોર્ડબ્રેક ૫૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં ૧૫ કેસ નોંધાયા હતા.