બંગાળ ફતેહ કરવા દર મહીને પ્રવાસ ખેડશે શાહ અને નડ્ડા

November 19, 2020

પટનાઃ બિહારમાં સરકારના ગઠન બાદ હવે ભાજપ બંગાળ ફતેહ કરવા કમર કસી લીધી છે. ભાજપની પશ્ચિમ બંગાળની યૂનિટે તેને લઈને મોટી યોજના બનાવી છે. બંગાળ ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે બુધવારે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જપી નડ્ડા રાજ્યની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ નહી થાય ત્યાં સુધી દર મહીને રાજ્યનો પ્રવાસ ખેડશે. પ.બંગાળની 294 સભ્યોવાળી વિધાનસભા માટે આગામી વર્ષ એપ્રીલ-મે મહીનામાં ચૂંટણી યોજાવાની છે. ભાજપના બંન્ને નેતાઓ ચૂંટણી પહેલાં દર મહિને પાર્ટી સંગઠનની સમિક્ષા કરવા માટે જુદાં-જુદાં રાજ્યોની મુલાકાત કરશે. દિલીપ ઘોષે જણાવ્યું કે, અમારા બંન્ને નેતાઓના નિયમિત મુલાકાતથી પાર્ટી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધશે. પાર્ટી સુત્રોએ જણાવ્યું કે, શાહના દર મહીને સતત બે દિવસ મુલાકાતની શક્યતા છે. જ્યારે નડ્ડાનો ત્રણ દિવસિય પ્રવાસ હશે.  પાર્ટીના સુત્રો જણાવે છે કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જોતા ભાજપે પ્રદેશને પાંચ સંગઠનાત્મક ક્ષેત્રમાં વિભાજીત કર્યું છે અને કેન્દ્રીય નેતાઓને તેમના પ્રભારી નિયુક્ત કર્યાં છે.