શત્રુઘ્ન સિંહાએ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરતા સર્જાયો વિવાદ

February 23, 2020

ઈસ્લામાબાદ : કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ બાદ હવે પાર્ટીના વધુ એક નેતા શત્રુઘ્ન સિંહાએ પાકિસ્તાનની મુલાકાત લઈને ટીકાને આમંત્રણ આપ્યું છે. શત્રુઘ્ન સિંહા એક લગ્નમાં હાજરી આપવા માટે ત્યાં પહોંચ્યા હતા પણ તેમણે શનિવારના રોજ રાષ્ટ્રપતિ આરિફ અલ્વી સાથે મુલાકાત કરી.

આ મુલાકાત બાદ અલ્વીએ એવો દાવો કર્યો કે શત્રુઘ્ન સિંહાએ કાશ્મીરમાં લૉકડાઉનની તેમની ચિંતાને સમર્થન આપ્યું છે. પરંતુ, શત્રુઘ્ન સિંહાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેમની આ મુલાકાત અંગત હતી અને રાજનીતિ સાથે તેનો કોઈ સંબંધ નથી.

અલ્વીની ઓફિસે ટ્વિટ કરી કે ભારતીય રાજનેતા શત્રુઘ્ન સિંહાએ રાષ્ટ્રપતિ આરિફ અલ્વી સાથે લાહોરમાં આજે મુલાકાત કરી. તેમણે બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવાના મહત્વ પર ચર્ચા કરી. અહીં ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધમાં કડવાશ આવી છે.