શિંદે સમૂહને હાઈકોર્ટનો ઝટકો: શિવાજી પાર્કમાં દશેરા રેલી માટે ઉદ્ધવને મંજૂરી

September 23, 2022

મુંબઈ- મહારાષ્ટ્રનું રાજકાણ હાલ ખૂબ જ ચર્ચામાં છે. સરકારની ઉથલપાથલ બાદ પણ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના શિવસેનાના પરના દાવા બાદ હવે બંને નેતાઓ વચ્ચે શિવાજી પાર્કમાં યોજાતી ભવ્ય દશેરા રેલીને લઈને પણ ગજગ્રાહ વધી રહ્યો હતો અને બંને પક્ષો કોર્ટ પહોંચ્યા હતા. આજે મુંબઈ કોર્ટે આ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે.

મુંબઈ હાઈકોર્ટે મુંબઈના શિવાજી પાર્કમાં દશેરા રેલી યોજવાની શિંદે સમૂહની અરજીને ફગાવી છે અને ઉદ્ધવ ઠાકરે જૂથને મંજૂરી આપી દીધી છે. આ ઉદ્ધવની એક નાની પરંતુ મજબૂત નૈતિક જીત ગણાશે. કોર્ટે શુક્રવારે પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારે ઉદ્ધવ ઠાકરે જૂથને શિવાજી પાર્કમાં 2 થી 6 ઓક્ટોબર સુધી રેલી યોજવાની મંજૂરી આપવી જોઈએ. શિવસેનાની સ્થાપના 1966માં થઈ હતી અને ત્યારથી દશેરા રેલી તેમનું સૌથી મોટું આયોજન રહ્યું છે. દર વર્ષે આયોજિત આ રેલીમાં સમગ્ર મહારાષ્ટ્રમાંથી શિવસૈનિકો એકત્રિત થાય છે.