નવા સ્માર્ટફોન્સની તંગી: રિફર્બિશ્ડ ફોન્સની માંગમાં મોટો ઉછાળો

June 30, 2020

નવી દિલ્હી:બજારમાં નવા સ્માર્ટફોન્સની તીવ્ર તંગીને કારણે રિફર્બિશ્ડ અને પ્રિ-ઓન્ડ ડિવાઇસની માંગમાં ભારે ઉછાળો નોંધાયો છે. Cashifyના ચીફ ઓપરેટિંગ ઓફિસર નકુલ કુમારે જણાવ્યું હતું કે, "બે-ત્રણ દિવસથી રિફર્બિશ્ડ ફોન્સની માંગમાં અચાનક ઉછાળો નોંધાયો છે. જોકે, સપ્લાય ઝડપથી પૂરો થઈ રહ્યો હોવાને કારણે અમારા માટે પણ માંગ સંતોષવાનું મુશ્કેલ બનશે."

કુમારે જણાવ્યું હતું કે, યુઝર્સને ફોન્સ અપગ્રેડ કરવામાં લાંબો સમય લાગી રહ્યો હોવાથી બજારમાં રિસેલિંગ માટે જૂના ફોન્સનું પ્રમાણ ઘટ્યું છે. ઓમ્ની ચેનલ રિસેલર Yaantraએ જણાવ્યું હતું કે, "અમારી પાસે 45-60 દિવસની માંગને પહોંચી વળવા પૂરતી માંગ છે." અનલોક 1.0ના પ્રારંભ પછી Yaantra, Cashify, Olx અને Xtracoverની માંગ વધી છે. જેનું મુખ્ય કારણ ઉત્પાદન ઘટવાથી નવા સ્માર્ટફોન્સની તંગી છે. Yaantraના સીઇઓ જયંત ઝાએ જણાવ્યું હતું કે, "તાજેતરના મહિનામાં અમે ₹5,000-15,000ની કેટેગરીમાં કોરોના અગાઉના સમયની તુલનામાં બમણા સ્માર્ટફોન્સનું વેચાણ કર્યું છે."

માર્કેટપ્લેસ Olxની માંગમાં પણ ચાલુ મહિનાની શરૂઆતથી વધારો નોંધાયો છે. Olxના ઇન્ડિયા હેડ (હોરિઝોન્ટલ બિઝનેસ યુનિટ) તરુણ સિંહાએ જણાવ્યું હતું કે, "પ્રિ-ઓન્ડ સ્માર્ટફોન્સ ખરીદવા ઇચ્છુક ગ્રાહકોની સંખ્યામાં 40 ટકા વધારો નોંધાયો છે."