શ્વેતા તિવારી વેબ સીરિઝમાં લેડી ડોનના રોલમાં જોવા મળશે

August 03, 2024

મુંબઇ : શ્વેતા તિવારી એક વેબ સીરિઝમાં લેડી ડોનની ભૂમિકા ભજવવાની છે. આ સીરિઝ કરણ જોહર બનાવી રહ્યો છે. શ્વેતાએ જ આ વિશે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે  ધર્મા પ્રોડકશન સાથેની આગામી વેબ સીરીઝમાં મારો એક અલગ જ રોલ અને લુક જોવા મળવાનો છે. હું તેમાં એક  મહિલા ડોનની ભૂમિકા ભજવી રહી છું, જે સાડીપહેરે છે અને સિગારેટ પણ પીએ છે. આ એક પડકારજનક રોલ હોવાથી મને આ રોલ કરવામાં રસ પડયો છે. શ્વેતા ટીવી સિરિયલોની ટોચની હિરોઈન હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી તે 'ઈન્ડિયન પોલીસ ફોર્સ' જેવા વેબ શોને કારણે જ જાણીતી છે. તેની અજય દેવગણ સાથેની ફિલ્મ 'સિંઘમ અગેઈન' પણ આવી રહી છે. શ્વેતાને આ ફિલ્મ માટે બહુ મોટી આશાઓ છે. શ્વેતાની દીકરી પલક પણ બોલીવૂડમાં કારકિર્દી જમાવવા પ્રયાસ કરી રહી છે. જોકે, તે ઈબ્રાહિમ અલી ખાન સાથે અફેરના કારણે વધુ ચર્ચામાં છે.