નોર્થ કેરોલીના યુનિવર્સિટીમાં શીખ વિદ્યાર્થીઓને કિરપાણ લઇ જવા મંજૂરી

November 21, 2022

અમેરિકાની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ જાહેરાત કરી છે કે તે યુનિવર્સિટી સંકુલમાં શીખ વિદ્યાર્થીઓને શીખ ધર્મના પ્રતીક સમાન કિરપાણ ધારણ કરવા દેશે. શાર્લોટ ખાતેની નોર્થ કેરોલિના યુનિવર્સિટી ખાતે એક વિદ્યાર્થીએ કિરપાણ ધારણ કરી હોવાથી તેને હાથકડી પહેરાવવામાં આવી હોવાનો વીડિયો પોસ્ટ થયાના બે મહિના પછી યુનિવર્સિટીએ આ નિર્ણય લીધો છે.

સપ્ટેમ્બર મહિનામાં હાથમાં હાથકડી લાગી હોય તેવા એક વિદ્યાર્થીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. ટ્વિટર પર વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીએ અધિકાર સમક્ષ તેની કિરપાણ ઉતારવા ઇનકાર કરી દેતાં પોલીસે તેને હાથકડી લગાવી દીધી હતી.

આ હેતુસર યુનિવર્સિટીએ પોતાની 'વેપન ઇન કેમ્પસ' નીતિમાં સુધારો કર્યો છે. તે સુધારા મુજબ કિરપાણની લંબાઇ 3 ઇંચથી ઓછી હોય અને હંમેશાં મ્યાનમાં રાખીને શરીરની નજીક ધારણ થયેલી હોય તે શરતે કોલેજ કેમ્પસમાં કિરપાણ ધારણ કરવા મંજૂરી આપવામાં આવી છે.