સ્લિમ અને ટ્રિમ દેખાવાની સ્માર્ટ એન્ડ સ્ટાઇલિંગ ટ્રિક્સ

September 20, 2022

અત્યારે સ્લિમ અને ફિટ રહેવાનો જમાનો છે, પરંતુ દરેક વ્યક્તિને પોતાની જાતને ફિટ અને સ્લિમ રાખવા માટે જિમમાં જવાનો સમય મળતો નથી. ઘણી વખત ડ્રેસની પસંદગી યોગ્ય રીતે ન કરવામાં આવે તો પણ હેવી બોડી લાગે છે. જો કપડાંની પસંદગી યોગ્ય રીતે કરવામાં આવે તો તમે ફિટ લાગશો. આ ઉપરાંત તમારું વજન પણ ઓછું લાગશે. આજે આપણે ડ્રેસિંગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ, જેથી સ્લિમ લુક મેળવી શકાય એ અંગે વાત કરીએ.

કપડાંનું ફીટિંગ
કપડાંની પસંદગી કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે એ વધારે ઢીલાં ન હોય અને વધારે ટાઇટ પણ ન હોય. તમે જે પણ ડ્રેસ પહેરો તેનું ફીટિંગ પરફેક્ટ હોવું જોઇએ. એનાથી તમે સ્લિમ દેખાશો.

ડાર્ક રંગ
લાઇટ રંગ કરતાં ડાર્ક રંગના આઉટફિટમાં સ્લિમ લુક મળે છે. એનાથી બોડી શેપ યોગ્ય લાગે છે. તમે બ્લેક, ગ્રે, બ્રાઉન મરુન વગેરે રંગનાં કપડાંની પસંદગી કરો.

કોન્ટ્રાસ્ટ કપડાં
પેટનો પોર્શન અને લોઅર પાર્ટ વધારે હોય તો તેને છુપાવવા મલ્ટિ કલરનાં કપડાં ક્યારેય ન પહેરો. મલ્ટિ કલરથી ફેટ હોય એના કરતાં વધારે દેખાય છે અને ઓવર પણ લાગે છે. એક જ રંગનાં કપડાં પહેરીને તમે પાતળા દેખાઈ શકો છો. તેથી તમે એક જ રંગનું ટોપ અને બોટમ ડ્રેસ કેરી કરો.

મોટી પ્રિન્ટ
તમે મોટી પ્રિન્ટવાળા કપડાં પહેરશો તો એમાં તમે વધારે પહોળા અને વિશાળ દેખાશો તેથી નાની પ્રિન્ટ પહેરવાનું પસંદ કરો. તમારો અપર પાર્ટ ઓછો અને લોઅર પાર્ટ વધારે હોય તો જિન્સ ઉપરનું ટોપ મોટી પ્રિન્ટવાળું પહેરી શકો પરંતુ લોઅરમાં પ્લેન પહેરો.

હાઇટ અનુસાર ડ્રેસઅપ
તમારી હાઇટ વધારે હોય તો ઘૂંટણથી નીચે સુધીના ડ્રેસ પહેરો, પરંતુ તમારું વજન વધારે હોય તો વધારે લાંબા ડ્રેસ પહેરવાનું ટાળો. ઓછી હાઇટવાળી યુવતીઓએ ફુલ લેન્થ લેયર્ડ ડ્રેસ કેરી કરવાનું ટાળવું જોઇએ.

સ્ટ્રાઇપ્ડ ડ્રેસ
સ્ટ્રાઇપ્ડ પેટર્નને તમે સ્લિમ લુક માટે ટ્રાય કરી શકો છો. ઓફિસ માટે સ્ટ્રાઇપ પેટર્ન દરેક રીતે બેસ્ટ છે. સૌથી સારી વાત એ છે કે તે ફેશનમાં હંમેશાં ઇન રહે છે. ડ્રેસીસથી લઇને શર્ટ, પેન્ટ, ટોપ દરેકમાં તમે પહેરી શકો છો. એમાં ફિગર પરફેક્ટ લાગે છે. ક્યારેય ક્રોસ ચેક કે હોરિજેન્ટલ લાઇનવાળા ડ્રેસ ન પહેરો. આવા ડ્રેસમાં તમે વધારે જાડા દેખાશો.

વી નેક ડ્રેસ
સ્લિમ દેખાવા ઇચ્છો છો તો એવા ડ્રેસની પસંદગી કરો જેમાં નેક વી શેપનું હોય. એવા આઉટફિટ તમારા લુકને એટ્રેક્ટિવ અને સ્લિમ દેખાવામાં તમને મદદ કરશે.

હાઈ વેસ્ટ
હાઈ વેસ્ટ આઉટફિટ્સનો ઓપ્શન સેફ એન્ડ બેસ્ટ છે. જેમાં તમે બિન્ધાસ્ત રીતે કેરી કરી શકો છો. આજકાલ હાઈ વેસ્ટ ટ્રેન્ડમાં પણ છે. એમાં તમે જિન્સ, પેન્ટ્સ, સ્કર્ટ ટ્રાય કરી શકો છો. એમાં તમે સ્લિમની સાથે સ્ટાઇલિશ દેખાશો.