કેનેડાથી દીકરો માતાની અંતિમવિધિ માટે આવ્યો: હોસ્પિટલમાંથી ડેડબોડી ગાયબ

November 16, 2020

અમદાવાદ : કોરોના વાયરસે અમદાવાદમાં ફરી માથુ ઉંચકતા જ હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ રહ્યા છે. આવામાં હોસ્પિટલોના ગરબડ ગોટાળાનો સિલસિલો ફરી શરૂ થયો છે. અમદાવાદની વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાંથી એક મહિલાનો મૃતદેહ ગાયબ થયો છે. હોસ્પિટલમાંથી ૬૫ વર્ષીય લેખાબેન ચંદ નામની મહિલાનો મૃતદેહ ગાયબ થયો છે. ત્યારે મહિલાનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાંથી ગાયબ થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ત્યારે વીએસ હોસ્પિટલની બેદરકારી પર ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. ૭૦ વર્ષના લેખાબેન પ્રવીણકુરમા ચંદને ૧૧ મી તારીખે હાર્ટ એટેક આવ્યો હતો. તેઓને તાત્કાલિક શેલબી હોસ્પિટલમાં લઈ જવાતા હતા તે સમયે રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું. જેથી વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં તેમના મૃતદેહને મૂકવામાં આવ્યો હતો. લેખાબેનનો પુત્ર વિદેશથી પરત આવતા પરિવારજનો તેમનો મૃતદેહ લેવા ગયા હતા. દીકરો અમિત ચંદ આજે કેનેડાથી પરત ફરતા મૃતદેહ લેવા ગયો હતો. ત્યારે તેઓને કહેવામાં આવ્યું કે, અહી તેમનો મૃતદેહ નથી.  લેખાબેનનો મૃતદેહ કોણ લઈ ગયુ તે વીએસ હોસ્પિટલના તંત્રને ખબર નથી. તેમજ તેમની પાસે તેના પુરાવા પણ નથી. ન તો લેખાબેનનું ડેથ સર્ટિફિકેટ છે. ત્યારે હવે પરિવારજનોને કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહ ન મળ્યો. કોલ્ડ સ્ટોરેજમા રખાયેલો મહિલાનો મૃતદેહ ગુમ થયો છે. ત્યારે મૃતદેહ ગુમ થવાનો સમગ્ર મામલો એલિસબ્રિજ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. લેખાબેનના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે, આ ઓર્ગન તસ્કરી છે કે પછી ડેડ બોડી બદલાઈ ગઈ છે. બનાવ બાદ એલિસબ્રિજ પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. આ વિશે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈએ ગોવિંદ ભરવાડે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં જાણ્યું કે, પોસ્ટમોર્ટમ રૂમમાં સીસીટીવી નથી. અમારી તપાસ ચાલુ છે. આરએમઓ આવ્યા છે, એ શું કહે છે એ બાદ ખ્યાલ આવશે કે ખરેખર કોણ ડેડ બોડી લઈ ગયું છે.