સોનાલીની હત્યાઃ કારણોના વમળમાં ઘૂંટાતુ રહસ્ય

September 03, 2022

ઓફબીટ : ધવલ શુક્લ
  • સેક્સ, રેપ, બ્લેકમેઈલિંગ કે પ્રોપર્ટીના ઝગડાને કારણે ભાજપી મહિલા નેતાની હત્યા
  • કેસની તપાસ સુધીર સંગવાન અને સુધીરના મિત્ર સુખવિંદર પાસીથી આગળ વધી છે કારણ કે, સોનાલીના પરિવારે ગોપાલ કાંડા સામે સીધો આક્ષેપ કરી દીધો છે 
એક સમયની ટીકટોક સ્ટાર અને હાલની ભાજપની નેતા સોનાલીના શંકાસ્પદ મોત સાથે અનેક અટકળો વહેતી થઈ છે. સોનાલીએ રવિવારે રાત્રે માતાને ફોન કર્યો ત્યારે ફરિયાદ કરેલી કે, પોતાને ખાવામાં કંઈક આપી દેવાતાં તબિયત સારી નથી. જે પછી તરત જ બીજા દિવસે સવારે તેના મોતના સમાચાર આવી ગયા તેથી દાળમાં કંઈક કાળું છે એવો દાવો પરિવારે કરેલો. સોનાલીના મોતને પગલે તેના બે ભાણેજ વિકાસ અને મોહિંદર તાત્કાલિક ગોવા પહોંચી ગયેલા.  આ સમયે મોહિંદરે દાવો કરેલો કે, સોનાલીનો ચહેરો એક તરફ સૂઝી ગયેલો જ્યારે બીજી તરફ ઉઝરડાનાં નિશાન હતાં.  વિકાસે એવો દાવો પણ કર્યો હતો કે, સુધીર સાંગવાને સોનાલીના મોતના મામલે રીતસર ગલ્લાંતલ્લાં કર્યા, પહેલા તેણે કહેલું કે, ડિનર પછી સોનાલીને બેચેની થતાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા પણ ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી. સુધીરે કેટલા વાગ્યે આ બધું બન્યું એ વિશે જાત જાતની વાતો કરેલી. તેના કારણે સોનાલીનું મોત શંકાસ્પદ છે.  
 સોનાલીના ભાઈ રિંકુ ઢાકાએ ગોવા પોલીસને ચાર પાનાંનો પત્ર લખીને ઘણી ચોંકાવનારી વાતો કરી છે. તેના કારણે સોનાલીનો કેસ જુદી જ દિશામાં ફંટાઈ ગયો છે. હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના ભૂથનકલાંમાં રહેતા રિંકુ ઢાકાએ ગોવા પોલીસને લખેલા પત્રમાં લખ્યુ છે કે, સુધીર સાંગવાન અને તેના મિત્ર સુખવિંદરે સોનાલીના ખાવામાં ડ્રગ્સ ભેળવીને બળાત્કાર ગુજાર્યો અને આ દુષ્કર્મનો વીડિયો બનાવીને તેને બ્લેકમેઇલ કરાતી હતી. સોનાલીની દીકરી માત્ર ૧૫ વર્ષની છે. તેણે પણ માતાની હત્યા થઈ હોવાનો આક્ષેપ મૂકીને ન્યાયની માગણી કરી છે. 
રિંકુએ રાજકીય ષડયંત્રના ભાગરૃપે પોતાની બહેનની હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. તેના કારણે તેના આક્ષેપોની ગંભીરતા વધી જાય છે. સોનાલીને પોતાના રસ્તામાંથી દૂર કરવામાં ક્યા રાજકારણીને રસ હતો એ સવાલ ઉઠયો છે.  સોનાલી એક્ટ્રેસ હતી, ભારતમાં પ્રતિબંધ નહોતો ત્યારે ટિકટોક સ્ટાર હતી, અત્યારે પણ સોશિયલ મીડિયા સ્ટાર હતી જ અને વધારામાં સત્તાધારી પક્ષની મહિલા નેતા હતી. તેના કારણે તેની સ્ટોરીમાં ગ્લેમર, પબ્લિસિટી, મીડિયા એટેન્શન વગેરે તો હતા જ. હવે તેના મોતને મામલે થયેલા આક્ષેપોના પગલે સેક્સ, રેપ, બ્લેકમેઈલિંગ, પ્રોપર્ટીના ઝગડા વગેરે એંગલ પણ ઉમેરાતાં એક સાદો કુદરતી મોતનો લાગતો કેસ જબરદસ્ત મર્ડર મિસ્ટરી બની ગયો છે.
આ કેસની તપાસ અત્યાર સુધી  સોનાલી, તેના પી.એ. સુધીર સંગવાન અને સુધીરના મિત્ર સુખવિંદર પાસી ફરતે કેન્દ્રિત હતી. પરંતુ હવે સોનાલીના પરિવારે હરિયાણાના બદનામ નેતા ગોપાલ કાંડા સામે સીધો આક્ષેપ કરતાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. સોનાલીના પરિવારે ગોપાલ કાંડા સામે તો નામજોગ આક્ષેપ મૂક્યો છે. હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજે પોતે સ્વીકાર્યું છે કે, સોનાલીના પરિવારે નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે તેથી હરિયાણા સરકારે આ હત્યાની તપાસ સીબીઆઈ પાસે કરાવવા માટે ગોવા સરકારને પત્ર લખી દીધો છે.  સોનાલીના ભાઈ રીંકુ ઢાકાએ કહ્યું છે કે, સોનાલીને બ્લેકમેઈલ કરાતી હતી. સુખવિંદરનું કાંડા સાથેનું કનેક્શન જોતાં તે પણ આ બધામાં સામેલ હોઈ શકે. કાંડા હરિયાણાના રાજકારણનું બહુ બદનામ પાત્ર છે. કાંડાનું મૂળ નામ ગોપાલ કુમાર ગોયલ છે. હરિયાણામાં કોંગ્રેસની ભૂપિન્દરસિંહ હુડ્ડા સરકારમાં ગૃહ મંત્રી રહી ચૂકેલા કાંડાનો જન્મ સિરસાના સામાન્ય પરિવારમાં થયો હતો. પણ તેના વકીલ પિતાએ સ્થાનિક તારા બાબાને મદદ કરી હતી. જેથી કાંડાનાં ભાગ્ય ખૂલી ગયાં. તારા બાબાએ કાંડાનો પરિચય ઓમ પ્રકાશ ચૌટાલા સાથે કરાવ્યો.  ચૌટાલાને કાંડા જેવા ગુંડાગીરી કરતા લોકોની જરૂર હતી તેથી તેમણે કાંડાને સહારો આપ્યો. 
ચૌટાલાનો દબદબો હતો અને તેમની સરકાર હતી તેથી કાંડાએ નોટો છાપવા માંડી. તેના જોરે પહેલાં તે મ્યુઝિક અને પછી શૂ શોપ કરી, પછી રીયલ એસ્ટેટ બ્રોકર બન્યો. ગુરૂગ્રામ એ વખતે વિકસી રહ્યું હતું તેથી કાંડાએ ત્યાં દલાલી શરૂ કરી. આ સમયે તે અઢળક નાણા કમાયો, તેથી પોતે જ બિલ્ડર બની ગયો. અઢળક કમાણી બાદ કાંડાએ હોટલ બનાવી, ગોવામાં કેસિનો લીધો અને લક્ઝુરીયસ કારની ડીલરશીપ પણ લીધી. ૨૦૦૮માં તેણે એરલાઈન શરૂ કરી પણ ફાવટ નહીં આવતા છેવટે ૨૦૧૦માં એમિરાત્સ એરલાઈનને વેચી મારી. કાંડાએ ચૌટાલા પાસે ૨૦૦૫ અને ૨૦૦૯માં ટિકિટ ચૂંટણી માટે ટીકિટ માંગી પરંતુ તે સમયે ચૌટાલાને કાંડાનો બરાબર પરિચય થઈ ગયો હતો, એટલે તેને ટીકિટ ના આપી. તેથી ૨૦૦૯માં કાંડાએ અપક્ષ તરીકે જ ચૂંટણીમાં ઝંપલાવ્યું. તારા બાબાની મદદ મળતા કાંડા અપક્ષ તરીકે ચૂંટણી જીત્યો. કોંગ્રેસને એ વખતે સ્પષ્ટ બહુમતી નહોતી મળી, કાંડાએ છ અપક્ષોને કોંગ્રેસ સાથે લાવીને ભૂપિન્દરસિંહ હુડ્ડાને મુખ્યમંત્રી બનાવ્યા અને પોતે ગૃહ મંત્રી બન્યો. 
કાંડા ગૃહ મંત્રી હતો ત્યારે જ ગીતિકા શર્મા આપઘાત કેસના કારણે રાજીનામું આપવાની નોબત આવી હતી. ગીતિકા એર હોસ્ટેસ હતી. ગોપાલ કાંડાએ શરૂ કરેલી એમડીએસઆર એરલાઈન્સમાં નોકરી કરતી એર હોસ્ટેસ ગીતિકા શર્માનું એ હદે શોષણ કરેલું કે, કંટાળીને ગીતિકાએ આપઘાત કરી લીધો હતો. ગીતિકા સાથે કાંડા બળજબરીથી શરીર સુખ માણતો હતો. કાંડાએ ગીતિકાને ફરમાન કરેલું કે, સવારે કામ શરૂ કરતાં પહેલાં અને સાંજે ઘરે જતાં પહેલાં ફરજિયાત પોતાને મળીને જ જવાનું. કાંડા પોતાની ઓફિસમાં ગીતિકાનું શારીરિક શોષણ કરતો હતો.  આ શોષણથી કંટાળેલી ગીતિકાએ ૫ ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ આપઘાત કરી લીધો ત્યારે બે સુસાઈડ નોટ મૂકી હતી. ગીતિકાએ પોતાના શારીરિક શોષણની તમામ વિગતો લખી હતી.
 ગીતિકાના પરિવારે આક્ષેપ કર્યો  હતો કે, કાંડા ગીતિકાને જુદા જુદા નામે ઈ-મેલ મોકલીને ધમકીઓ પણ આપતો હતો. કાંડાએ બધા આક્ષેપો નકારી કાઢ્યા પરંતુ તે પછી દિલ્હી પોલીસે તેની ધરપકડ કરીને આપઘાત માટે દુષ્પ્રેરણા, જાતિય શોષણ, ગુનાઈત ષડયંત્ર, જૂઠા મેસેજ મોકલવા સહિતના કેસો કરી જેલમાં ધકેલી દીધેલો.  જે બાદ તેના ભાઈ ગોવિંદે ગીતિકાના પરિવારને કેસ પાછો લેવા એટલો પરેશાન કર્યો કે, ગીતિકાની માતા અનુરાધાએ પણ દીકરીના આપઘાતના છ મહિનામાં આપઘાત કરી લીધો હતો. તેના કારણે કેસ નબળો પડી ગયો હતો. દિલ્હી હાઈકોર્ટે જાતિય શોષણનો આરોપ રદ કરતાં કાંડા ૨૦૧૪ના માર્ચમાં જામીન ઉપર છૂટયો અને બે મહિના પછી હરીયાણા લોકહિત પાર્ટી સ્થાપીને પાછો ફુલટાઈમ રાજકારણી બની ગયો. ૨૦૧૪માં એ વિધાનસભાની ચૂંટણી હારી ગયેલો પણ ૨૦૧૯માં ફરી જીતીને ધારાસભ્ય બની ગયો છે. કાંડાની મથરાવટી મેલી છે. અંડરવર્લ્ડ સાથે કનેક્શન સહિતના બીજા પણ કેસ તેની સામે નોંધાયેલા છે. 
કાંડાની ગુંડાગીરીની ઈમેજના કારણે નેતાઓ તેની સામે પડતા નથી ત્યારે સોનાલી જેવી એકલી સ્ત્રી ડરી જાય તેમાં શંકા નથી. કાંડાની ધાકનો લાભ લઈને સુખવિંદર અને સુધીર પણ મનમાની કરતા હોય એ શક્ય છે.  સોનાલીના મોતના મામલે શંકાના દાયરામાં આવેલા રોહતકનો સુધીર સાંગવાન અને ભિવાનીનો સુખવિંદર ભાજપના કાર્યકર છે. બંને સોનાલીનો પ્રચાર કરતા હતા અને પછી સુધીર સોનાલીનો પી.એ. બની ગયો હતો.