સોનિયા ગાંધી બે મહિનામાં બીજી વખત કોરોના સંક્રમિત

August 13, 2022

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. જયરામ રમેશે ટ્વીટ કરતાં લખ્યુ કે, "કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા પ્રોટોકોલને પગલે તે આઇસોલેશનમાં રહેશે." આ અગાઉ 2 જૂને પણ સોનિયા ગાંધીને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, જ્યાં તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. તે જ સમયે, બુધવારે પ્રિયંકા ગાંધી પણ કોરોના ચેપની ઝપેટમાં આવ્યા હતા. તે પણ હાલમાં આઈસોલેશનમાં છે. આ પહેલા પણ 3 જૂને  પ્રિયંકા ગાંધી કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. 
ભૂતપૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમારને પણ કોરોના થયો છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપતા લખ્યુ કે, ગઈકાલે રાત્રે તે ફરીથી કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. જે જાણ્યા બાદ તે હાલ કવોરન્ટાઇન છે. આ સાથે મીરા કુમારે પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરી છે.