દિલ્હી હિંસા પૂર્વયોજીત કાવતરુ, અમિત શાહ રાજીનામુ આપેઃ સોનિયા

February 26, 2020

નવી દિલ્હી : દિલ્હી હિંસા પર હવે રાજકારણ શરૂ થઈ ગયુ છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગૃહ મંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યુ છે અને દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પણ સવાલો ઉઠાવ્યા છે.

સોનિયા ગાંધીએ અમિત શાહના રાજીનામાની માંગણી કરીને કહ્યુ હતુ કે, દિલ્હી હિંસા પૂર્વયોજીત છે.જેને દિલ્હી ચૂંટણી દરમિયાન પણ જોવા મળી હતી. ભાજપના નેતાઓ નફરત અને ડર ફેલાવનારા નિવેદનો આપી રહ્યા છે. ગયા રવિવારે પણ ભાજપના એક નેતાએ ભડકાઉ નિવેદન આપીને દિલ્હી પોલીસને ધમકી આપી હતી કે, ત્રણ દિવસ પછી અમને કશું કહેતા નહી.

સોનિયા ગાંધીએ કહ્યુ હતુ કે, કેન્દ્ર અને દિલ્હી સરકારે કોઈ કાર્યવાહી નહી કરી હોવાથી 20 લોકો માર્યા ગયા છે. જેમાં એક પોલીસ કર્મીનો સમાવેશ થાય છે. કોંગ્રેસ આ તમામ લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. હાલમાં જે સ્થિતિ સર્જાઈ છે તે માટે ગૃહ મંત્રી જવાબદાર છે. તેમણે આ હિંસાની જવાબદારી લઈને રાજીનામુ આપવુ જોઈએ.