યૂપીમાં ભાજપની હેટ્રિક રોકવા માટે સપા, બસપાનું જોર

January 29, 2022

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ધમધમાટ જોવા મળી રહ્યો છે. ભાજપે આગ્રાની નવ બેઠક માટે પાંચ વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી છે, પણ દલિત અને મુસ્લિમોની બહુમતી ધરાવતી દક્ષિણ વિધાનસભા બેઠક પર સતત બે વારથી ધારાસભ્ય યોગેન્દ્ર ઉપાધ્યાયને હેટ્રિક લગાવવાની તક આપી છે. પાર્ટીએ બ્રાહ્મણ ચહેરા પર દાવ રમ્યો છે કારણ કે, તેઓ મુસ્લિમ અને દલિતોની બહુમતી ધરાવતી બેઠક પર બે વાર કમળ ખિલવવામાં સફળ રહ્યા છે.

યોગેન્દ્રને અટકાવવા માટે બીએસપીએ બ્રાહ્મણ મતને તોડવા રવિ ભારદ્વાજને તો કોંગ્રેસે અનુજ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે સપાએ વૈશ્ય ઉમેદવાર વિનય અગ્રવાલને મેદાનમાં ઉતારીને ખેલ રસપ્રદ બનાવી દીધો છે. ભાજપ માટે આ વખતે માર્ગ સરળ નથી દલિત-મુસ્લિમો સાથે બ્રાહ્મણ મતમાં ગાબડું પાડવા માટે બીએસપીએ તેના માટે પડકારો ઊભા કર્યા છે. આગ્રા દક્ષિણને અડીને આવેલી આગ્રા ઉત્તર અને આગ્રા કેન્ટ વિધાનસભા બેઠકો છે. 2012ના ડિલિમિટેશન બાદ ત્રણેય વિધાનસભા વિસ્તારોના ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું છે. આગ્રા દક્ષિણ સીટના હારજીતના સમીકરણોની અસર પડોશની બન્ને સીટ પર પડે છે. સપાએ પહેલાં અહીં મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી હતી. જોકે બે દિવસમાં જ ઉમેદવારને બદલી વિનય અગ્રવાલને ટિકિટ આપી હતી.