રાજપક્ષેના રાજીનામા બાદ સળગી ઉઠ્યું શ્રીલંકા, દેશભરમાં કર્ફ્યૂ, હિંસામાં એક સાંસદનું મોત

May 09, 2022

કોલંબોઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલાં શ્રીલંકાની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. આ વચ્ચે પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષેએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. શ્રીલંકામાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યું છે. સરકાર વિરુદ્ધ ચાલી રહેલાં પ્રદર્શન વચ્ચે સાંસદ અમરકીર્તિ અથુકોરલાનું મોત થઈ ગયુ છે. અધિકારીઓએ માહિતી આપી કે સાંસદ પર નિટ્ટુંબુવામાં કારને રોકી ગોળીબારી કરી અને બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. બાદમાં તેમનો મૃતદેહ મળ્યો છે. શ્રીલંકામાં સરકાર વિરુદ્ધ ચાલી રહેલાં પ્રદર્શનમાં અત્યાર સુધી 2 લોકોના મોત થયા છે અને 139 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 


સરકારના સમર્થક જૂથે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના કાર્યાલયની બહાર પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યા બાદ રાજધાની કોલંબોમાં સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસના પ્રવક્તાએ કહ્યુ કે, આગામી નોટિસ સુધી તત્કાલ પ્રભાવથી દેશભરમાં કર્ફ્યૂ લાગૂ કરવામાં આવ્યું છે.  સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે શ્રીલંકા બ્રિટન પાસેથી 1948માં આઝાદી મેળવ્યા બાદ શ્રીલંકા તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં વિદેશી મુદ્રાની કમીને કારણે આર્થિક સંકટ ઉભુ થયું છે. શ્રીલંકાની સરકાર ખાદ્ય પદાર્થો અને ઈંધણની આયાત કરવા માટે નાણા ચુકવી શકતી નથી.  શ્રીલંકામાં નવ એપ્રિલથી હજારો લોકો રસ્તા પર છે, કારણ કે સરકારની પાસે આયાત કરવા માટે પૈસા નથી. દેશમાં જરૂરી વસ્તુઓની કિંમત આસમાને પહોંચી ગઈ છે. લોકોને બે ટકનું ભોજન પણ મળી રહ્યું નથી.