ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટે હરાવી શ્રીલંકાએ 2-1ની લીડ મેળવી

June 21, 2022

શ્રીલંકન ટીમે ત્રીજી વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટે પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ છ વિકેટે 291 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાએ 48.3 ઓવરમાં ચાર વિકેટે 292 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. આ સાથે શ્રીલંકાએ પાંચ મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી હતી.

પ્લેયર ઓફ ધ મેચ બનેલા પાથુમ નિસાન્કાએ 147 બોલમાં 11 બાઉન્ડ્રી અને બે સિક્સર વડે 137 રનની મેચવિનિંગ ઇનિંગ રમી હતી. નિસાન્કા અને કુસલ મેન્ડિસે બીજી વિકેટ માટે 170 રનની ભાગીદારી નોંધાવીને ટીમને વિજય તરફ દોરી હતી. મેન્ડિસ વ્યક્તિગત 87 રનના સ્કોરે રિટાયર્ડ હર્ટ થયો હતો.

અગાઉ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં સુકાની એરોન ફિન્ચે 85 બોલમાં 62 તથા એલેક્સ કેરીએ 49 રનનું યોગદાન આપ્યા બાદ ટ્રેવિસ હેડે 65 બોલમાં અણનમ 70 રન બનાવીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. મેક્સવેલે 18 બોલમાં 33 રન બનાવ્યા હતા. શ્રીલંકા માટે જેફરી વાન્ડરસેએ 49 રનમાં ત્રણ વિકેટ હાંસલ કરી હતી.