શ્રીલંકાના બંદરે ચીનના અદ્યતન જહાજની એન્ટ્રી, ભારત ચિંતાતૂર

August 20, 2022

શ્રીલંકાની સરકારે ચીનના સર્વેક્ષણ અને સંશોધનનું કામ કરતા જહાજ યુઆંગ વાંગને અમેરિકા અને ભારતના વિરોધની દરકાર કર્યા વિના પોતાની સીમામાં રોકાણની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ શ્રીલંકાના હમ્બાન્ટોટા બંદરે આ જહાજ આવી પહોંચ્યુ છે. આમ તો હમ્બાન્ટોટા બંદરનું સંચાલન ચીન કરે છે અને ચીને આ જહાજ ગયા અઠવાડિયે હમ્બાન્ટોટા બંદરે મોકલવાનું નક્કી કર્યું હતુ. પરંતુ ભારતે વિરોધ કરતાં શ્રીલંકાના પ્રમુખ રાનિલ વિક્રમસિંઘેએ મંજૂરી આપી ન હતી. પરંતુ એક અઠવાડ઼િયામાં જ લંકાનુ વલણ બદલાતા ભારતની ચિંતા વધી છે. ભારતને શંકા છે કે સમુદ્રમાં સંશોધનના બહાને ચીનનું આ જહાજ જાસૂસી કરશે.
મોદી સરકાર ચીનની ખોરી દાનત સમજતી હોવાથી તેણે વિરોધ કર્યો. ચીનનો ડોળો હિંદ મહાસાગર પર છે. ચીને પાકિસ્તાન અને માલદીવ્સમાં ઘૂસીને હિંદ મહાસાગર પર કબજો કરવાની વ્યૂહરચના અપનાવી છે. ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઈસી)ના બહાને ચીન પાકિસ્તાનના ગ્વાદર બંદર સુધી આવી ગયું હતું. ગ્વાદર બંદર અરબી સમુદ્રમાં છે કે જે હિંદ મહાસાગરનો ભાગ જ છે. ચીને માલદીવ્સમાં પગપેસારો કરીને માલદીવ્સના ૨૬માંથી ૧૬ ટાપુ પર લશ્કરી થાણાં નાખ્યાં છે. આ ઉપરાંત ચીને છેલ્લાં કેટલાંક વરસોથી હિંદ મહાસાગરમાં જાસૂસી અને લશ્કરી પ્રવૃત્તિઓમાં બેફામ વધારો કર્યો છે. 
ભારતની વાતને અમેરિકા સહિતના પશ્ચિમના દેશોનો પણ ટેકો છે. અમેરિકાએ પણ સત્તાવાર રીતે ચીનના હાલના પગલા સામે વાંધો લીધો છે. વિક્રમસિંઘેની છાપ ભારતતરફી છે તેથી સૌપ્રથમ તો તેમણે ચીનને મંજૂરી નહોતી આપી પણ અઠવાડિયામાં જ તેનું વલણ બદલાયુ હતુ.  શ્રીલંકાના આ પગલા પાછળ તેની આર્થિક કટોકટી જવાબદાર છે. તેને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના પેકેજની જરૃર છે. ચીને આ પેકેજ પર બ્રેક મારવાની ધમકી આપીને વિક્રમસિંઘેનું નાક દબાવ્યાનું મનાય છે. જહાજને મંજૂરી આપ્યા બાદ વિક્રમસિંઘે સરકારે દાવો કર્યો છે કે, અમે બીજી સરકારોના જહાજોને પણ આ સવલત આપીએ જ છીએ. તેથી તેમાં અચરજ પામવા જેવું કંઈ નથી. જહાજ ૨૧ ઓગસ્ટ સુધી હમ્બાટોન્ટામાં રોકાણ કરશે. જો કે, તે કોઈ પણ પ્રકારનું સંશોધન કે બીજી પ્રવૃત્તિ નહીં કરે. હવે બંને દેશ વચ્ચે શું રંધાયુ છે તે બાબતથી ભારત ચિંતામાં છે. 
ચીને ભારતને આડકતરી ધમકી પણ આપી છે કે, હમ્બાટોન્ટામાં શું થાય છે એ ચીન-શ્રીલંકાનો પ્રશ્ન છે. કોઈ ત્રીજા દેશે તેમાં રસ લેવો જોઈએ નહીં. યુઆંગ વાંગ ૫ આંતરરાષ્ટ્રીય કાયદા અને નિયમોને પાળીને કામગીરી કરે છે અને કોઈ પણ દેશની સલામતી કે આર્થિક હિતોને જરાય અસર કરતું નથી. ચીને એવી વાતો પણ કરી કે, શ્રીલંકા આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે, ત્યારે ચોક્કસ દેશો સલામતીની ચિંતાના નામે તેને દબાવી રહ્યા છે. જો કે, ચીન ભલે ગમે તે કહે પરંતુ તેના પર કોઈ દેશ ભરોસો રાખી શકે તેમ નથી. ચીને ઘણાં સમયથી ભારતની ફરતે જમીન અને દરિયાઈ સહદહે ધીમે ધીમે પ્રસાર અને પ્રવૃત્તિ વધાર્યા છે.
ચીને ભારતના પાડોશી દેશો સાથે સારો સંબધનો ડોળ કરીને આ ખેલ ચાલુ રાખ્યો છે. વર્તમાન સમયમાં શ્રીલંકા માલદીવ્સ, સેશેલ્સ અને જીબૂતી જેવા પ્રદેશ આ રીતે ચીનની જાળમાં ફસાયેલા છે. વળી, તેનું યુઆંગ વાંગ ૫ જહાજ તો જાસૂસી માટે જાણીતુ છે. આ જહાજમાં પાંચ સેટેલાઈટ અને ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ ટ્રેકર છે. તેમાં એવાં સેન્સર છે કે ભારત કોઈ પણ બેલિસ્ટિક મિસાઈલનું ટેસ્ટિંગ કરે તો તેની તરત ખબર પડી જાય. ભારત સામાન્ય રીતે ઓરિસ્સાના કાંઠે અબ્દુલ કલામ આઈલેન્ડ ઉપર મિસાઈલ પરિક્ષણ કરે છે. પણ આ લોકેશન ખાનગી છે. ચીન જહાજની હાઈ-ટેક ક્ષમતાનો ઉપયોગ કરીને મિસાઈલની રેન્જ અને એક્યુરસી પણ જાણી શકે છે. આ ઉપરાંત જહાજની સમુદ્રના સર્વેની સિસ્ટમના આધારે ભારતીય સબમરીનો વિશે પણ બધી માહિતી ચીનને મળી જાય તેમ છે. ટૂંકમાં હિંદ મહાસાગરમાં સુરક્ષા માટે ભારતે જે કંઈ વ્યવસ્થા કરી છે, તેની બધી માહિતી ચીન પાસે સરળતાથી પહોંચી જાય તેવી શંકા ભારતને છે. 
ચીન ઘણાં વર્ષોથી ભારત સાથે સીધો અથવા તો આડકતરી રીતે સંઘર્ષ કરતુ રહ્યું છે. આથી ચીનના કોઈ પણ પગલા સામે ભારત શંકા સેવે તે સહજ છે. જો કે, ચીનને કોઈ રીતે રોકી શકાય તેમ નથી તે ભારતની લાચારી છે. અત્યારે જે હમ્બાટોન્ટા બંદર પર ચીનનું જહાજ લાંગરેલું છે એ બંદર ચીનની કંપનીએ બનાવ્યું છે પણ તેમાં શ્રીલંકાએ મોટો ભોગ આપવો પડ્યો છે. ચીનની કંપનીએ બંદર વિકસાવવા માટે ૧.૪ અબજ ડોલર શ્રીલંકા પાસેથી વસૂલ્યા છે. જેને કારણે મોટુ આર્થિક ભારણ શ્રીલંકાને માથે આવી ગયુ. આખરે ૧.૧૨ અબજ ડોલર ચૂકવવાની તૈયારી બતાવાઈ પરંતુ શ્રીલંકા પાસે નાણાં જ નહોતાં તેથી લાખના બાર હજાર કરીને પણ લંકાએ ચીનની વાત માનીને લંકાને બંદર સોંપી દેવું પડયું હોવાનુ મનાય છે. 
ચીને હિન્દ મહાસાગરમાં બીજા નાનકડા દેશ જિબૂતીમાં પણ લશ્કરી મથક સ્થાપી દીધું છે. સેશેલ્સને ભારતે પોતાની તરફ કરીને આર્મી બેઝની સ્થાપના કરવા મનાવેલું પણ ચીને ફાચર મારીને સેશેલ્સમાં પણ આર્મી બેઝ ઉભો કરી નાખ્યો છે. ટૂંકમાં ચીને હિંદ મહાસાગરમાં આવેલા ભારતની નજીકના તમામ દેશોને પોતાના પડખે લઈને લશ્કરી થાણાં સ્થાપી દીધાં છે. સ્વાભાવિક રીતે જ ચીન ભારત પર દબાણ પેદા કરવા જ આ પ્રવૃત્તિ કરે છે. હિંદ મહાસાગરમાં ચીનના ઝંડાવાળાં ૩૦૦ જેટલા મરચન્ટ વેસલ્સ અને ૩૦૦ જેટલાં માછામારી એટલે કે ફિશિંગ વેસલ્સ ફરતાં હોય છે. તેમની વચ્ચે ચીન પોતાનાં જાસૂસી જહાજોને ઘૂસાડી દે છે. ૨૦૨૦થી અત્યાર સુધીમાં ચીનનાં આવાં ૫૩ કહેવાતી સંશોધનની કામગીરી કરતાં જહાજ હિંદ મહાસાગરમાં દેખાયાં છે. 
ચીનનો ડોળો હિંદ મહાસાગરમાં ધરબાયેલા પોલીમેટલિક સલ્ફાઈડ સહિતની ખનિજોના ખજાના ઉપર પણ છે. મહાસાગરમાં મોટા પ્રમાણમાં પેટ્રોલીયમનો જથ્થો પણ છે. આ સ્થિતિમાં ભારતે પોતાની સુરક્ષાને મજબૂત કરવી પડે અને સતર્ક રહેવું પડે તેમ છે. અમેરિકા સહિતના દેશો ચીન સામેની લડાઈમાં ભારતના પડખે હોવાની વાતો કરે છે, પણ તેમની કરની અને કથનીમાં મોટો ફરક રહ્યો છે.