સ્ટેડિયમો અને સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખુલશે પણ જાહેર જનતાને નો-એન્ટ્રી

May 18, 2020

નવી દિલ્હી : ભારત સરકારે કોવિડ-૧૯ મહામારીને પગલે અમલમાં મુકેલા લોકડાઉનના ત્રીજા તબક્કા બાદ આખરે દેશના સ્ટેડિયમો અને રમત સંકુલોના દરવાજા ખોલવાનો નિર્ણય લીધો છે. જોકે સ્ટેડિયમો અને કોમ્પલેક્ષમાં જાહેર જનતાને પ્રવેશ આપવામાં નહીં આવે. કોરોના અંગેની માર્ગદર્શકાના અમલ બાદ ખેલાડીઓ પ્રેક્ટિસ શરૂ કરી શકશે. નોંધપાત્ર છે કે, અગાઉ ખેલ મંત્રી કિરણ રિજીજુ જાહેરાત કરી ચૂક્યા છે કે, શરૂઆતના તબક્કામાં માત્ર ઓલિમ્પિકની તૈયારી કરી રહેલા ખેલાડીઓને તાલીમની પરવાનગી આપવામાં આવશે. કોરોના મહામારીના કારણે સરકારે લોકડાઉનને ત્રીજી વખત લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે તારીખ ૩૧મી મે સુધી લોકડાઉન અમલમાં રહેશે. હાલની જાહેરાત અનુસાર રમતને જાહેર કાર્યક્રમોની શ્રેણીમા મૂકવામાં આવ્યું છે. હાલના તબક્કે મોટાપાયે લોકોને એકઠા થવા દેવાનો નિર્ણય જારી રાખવામાં આવ્યો છે. લોકડાઉનનો ત્રીજો તબક્કો પુરો થવા આવ્યો છે, ત્યારે આઇપીએલના આયોજન અંગેની અટકળો શરૂ થઈ હતી. જોકે સરકારે પ્રવાસ પરના નિયંત્રણોને હટાવ્યા નથી, જેના કારણે આઇપીએલ શરૂ થઈ શકે તેમ નથી. બીસીસીઆઇએ કોવિડ-૧૯ની મહામારીને ધ્યાનમાં રાખીને આઈપીએલને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી.