સુરતમાં સિટી બસ નીચે કચડાતા ધોરણ 12ના વિદ્યાર્થીનું મોત, ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોની બસમાં તોડફોડ

September 22, 2022

સુરત : સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત રાત્રે ધોરણ 12નો વિદ્યાર્થી બસમાં ચડતી વેળાએ પગ લપસતાં પટકાયો હતો અને તેની ઉપરથી સિટી બસ હંકારી દેવાઈ હતી. એને લઈ યુવકને ગંભીર ઇજા બાદ મોત થયું હતું. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ પ્રવર્તી ઊઠ્યો હતો, જેથી રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો. જ્યારે બસચાલક લોકોના ગુસ્સાને જોઈ બસ મૂકી ફરાર થઈ ગયો હતો. પાંડેસરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

સુરતના પાંડેસરા તેરેનામ ચોકડી પાસે ધોરણ 12માં ભણતો વિદ્યાર્થી અજીબ અકસ્માતનો ભોગ બન્યો હતો. વિદ્યાર્થી વિનશ મૌર્ય ટ્યૂશનથી પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે પાંડેસરાના તેરેનામ ચોકડી પાસે મહાનગરપાલિકાની સિટી બસની રાહ જોઈ રહ્યો હતો. સિટી બસ આવતાં તે બસમાં ચડવા જ ગયો અને પગ લપસી જતાં તે નીચે પડકાયો હતો. જોકે બસડ્રાઈવરે કંઈપણ જોયા વગર બસને હંકારી દીધી હતી.