ઓલિમ્પિકમાં આજથી બેઝબોલ અને મહિલા ફૂટબોલનો પ્રારંભ

July 21, 2021

ટોક્યો : કોરોના વાઇરસની મહામારીના કારણે એક વર્ષથી સ્થગિત થયેલી ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦નો સત્તાવાર રીતે ૨૩મી જુલાઇથી પ્રારંભ થશે પરંતુ તેની કેટલીક ઇવેન્ટ ૨૧મી જુલાઇથી એટલે કે બુધવારથી શરૂ થઇ જશે. આ વખતે ૨૦૦ કરતાં વધારે દેશના ૧૧ હજાર કરતાં વધારે એથ્લેટ્સ ભાગ લેવાના છે. ભારતના ૧૨૦ ખેલાડીઓ ૧૮ ઇવેન્ટમાં પોતાનો દાવો રજૂ કરશે. ૨૧મી જુલાઇ ભારતીય સમય અનુસાર વહેલી સવારે ૫:૩૦ વાગ્યે વિમેન્સ સોફ્ટબોલ મુકાબલામાં યજમાન જાપાન અને ઓસ્ટ્રેલિયા એકબીજા સામે ટકરાશે. સવારે ૮:૩૦ વાગ્યે ઇટાલી અને અમેરિકા, ૧૧:૩૦ કલાકે મેક્સિકો અને કેનેડા વચ્ચે મુકાબલો થશે. છેલ્લી બે ઓલિમ્પિકમાં આ ઇવેન્ટને સ્થાન મળ્યું નહોતું. પ્રથમ વખત ૧૯૯૬માં સોફ્ટબોલને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવી હતી. અમેરિકાએ સર્વાધિક ત્રણ વખત ગોલ્ડ જીત્યા છે. જાપાને ૨૦૦૮ની બેઇજિંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો. આ વખતે કુલ છ ટીમોને સામેલ કરાઇ છે અને ત્રણ ટીમોનો મેડલ નિિૃત છે.   
૨૧મી જુલાઇએ વિમેન્સ ફૂટબોલના છ મુકાબલા રમાશે. પ્રથમ મુકાબલો બપોરે ૧:૦૦ કલાકે બ્રિટન અને ચિલી વચ્ચે થશે. ૧:૩૦ કલાકે ચીન અને બ્રાઝિલ, ૨:૦૦ કલાકે સ્વીડન અને અમેરિકા, ૪:૦૦ કલાકે જાપાન અને કેનેડા, ૪:૩૦ કલાકે ઝામ્બિયા અને નેધરલેન્ડ્સ અને સાંજે ૫:૦૦ કલાકે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ એકબીજા સામે ટકરાશે. કુલ ૧૨ ટીમો ભાગ લઇ રહી છે. ૨૦૧૬ની રિયો ઓલિમ્પિકમાં જર્મનીએ ગોલ્ડ જીત્યો હતો.