આજથી હોળાષ્ટકનો પ્રારંભ: આઠ દિવસ સુધી શુભ કાર્ય પર પ્રતિબંધ, જાણો 8 દિવસોમાં ક્યારે કયો ગ્રહ પડે છે નબળો

March 21, 2021

હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મય ધરાવતા હોળી પર્વના દિવસો નજીક આવતાંની સાથે અબાલ વૃદ્ધોમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. ધાર્મિક પરંપરાને આધારે હોલિકાદહન અને બીજા દિવસે રંગોના પર્વ ધુળેટીની ઉજવણીને લઈને થનગનાટ દેખાઈ રહ્યો છે. એવામાં હવે રવિવારે હોળાષ્ટકની શરૂઆત સાથે જ હોળી પર્વ દસ્તક દેશે. રવિવારે સવારે 7.11થી આગામી 28 માર્ચના રવિવારે રાત્રીએ 12.19 વાગ્યા સુધી હોળાષ્ટક હોવાથી સાથે જ 8 દિવસ માટે શુભ કાર્યો વર્જિત ગણાય છે. 8 દિવસોના હોળાષ્ટકમાં દરેક ગ્રહ નબળો પડતો હોય માંગલિક કાર્યો નિષેધ માનવામાં આવે છે.

રાજા હિરણ્યકશીપુ અને ભક્ત પ્રહલાદની લોકવાયકાને આધીન દર વર્ષે ફાગણ સુદ પૂર્ણિમાએ ઠેરઠેર હોલિકાદહન કરવામાં આવે છે. જીવનમાંથી નકારાત્મક ઉર્જાને દૂર કરવાના ઉદ્દેશ સાથે હોળી પર્વના મહત્વને જોડવામાં આવે છે. હોળી પર્વના આઠ દિવસ પહેલાથી હોળાષ્ટકના આરંભ સાથે જ માંગલિક કાર્યો પર રોક લાગી જાય છે. શાસ્ત્રી ડો. કર્દમ દવેએ જણાવ્યું હતું કે, આ વર્ષે ફાગણ સુદ સાતમના 21 માર્ચના રવિવારે સવારે 7.11થી ફાગણ સુદ પુનમના 28 માર્ચે રવિવારે રાત્રિએ 12.19 વાગ્યા સુધી હોળાષ્ટક રહેશે. આ હોળાષ્ટક દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કે મંગળ કાર્ય કરવામાં આવતા નથી. એનું મુખ્ય કારણ એ છે કે હોળીના આઠ દિવસ અગાઉ જેને આપણે હોળાષ્ટક ગણીએ છીએ એ સમયમાં પૃથ્વી પર નકારાત્મક ઉર્જામાં ખુબ વધારો થઈ જાય છે. આ નકારાત્મક ઉર્જાના કારણે નિર્ણય લેવાની ક્ષમતા પ્રત્યેક વ્યક્તિઓમાં ઓછી થાય છે.

નકારાત્મક ઉર્જાના સર્જન સાથે જ આ સમયમાં કોઈ પણ શુભ કાર્ય કરી શકાતા નથી. આ બાબતને વધુ ઉંડાણમાં જોઈએ તો હોળાષ્ટકના પહેલા દિવસે ચંદ્રમા, બીજા દિવસે સુર્યનારાયણ, ત્રીજા દિવસે શનિ મહારાજ, ચોથા દિવસે શુક્ર નારાયણ, પાંચમા દિવસે ગુરુ મહારાજ, છઠ્ઠા દિવસે બુધ મહારાજ, સાતમા દિવસે મંગળ મહારાજ અને આઠમા દિવસે રાહુ મહારાજ નબળા બને છે. જેથી આ આઠ દિવસોના હોળાષ્ટકમાં પ્રત્યેક ગ્રહ નબળો બનતો હોવાને કારણે આ સમયમાં નકારાત્મક ઉર્જા વધે છે, તેને કારણે માંગલિક કાર્યોમાં નિષેધ રાખવાનું શાસ્ત્રોક્ત વચન છે.

27મીએ જૈન ચૌમાસી ચૌદશ અને 28મીએ વ્રતની પુનમ
આગામી 28 માર્ચના રવિવારે હોળી પર્વની ધાર્મિક પરંપરાને આધીન ઉજવણી કરવામાં આવશે. જો કે, તે પહેલાના આઠ દિવસોમાં વિવિધ ધાર્મિક પ્રસંગોની રોનક જોવા મળશે. દરમિયાન 22મીના સોમવારે દુર્ગાષ્ટમી રહેશે. 25મીના ગુરુવારે આમલકી એકાદશી, 26મીએ પ્રદોષ સાથે જૈન છ ગાઉની યાત્રા રહેશે. 27મીના શનિવારે જૈન ચોમાસી ચૌદશ રહેશે અને રવિવારે 28 માર્ચના રોજ વ્રતની પુનમ રહેશે. ત્યારબાદ 29મીના સોમવારે ધુળેટીના રંગારંગ ઉજવણી થશે. આમ હવે ધુળેટી પર્વ સુધી વિવિધ ધાર્મિક પ્રસંગોની વણઝાર જોવા મળશે.