ઓન્ટેરિયોમાં કોવિડ-૧૯ની સંભવિત ચોથી લહેરને રોકવા સ્ટે એટ હોમનો અમલ લંબાવાશે

May 17, 2021

  • પ્રતિબંધોને કારણે જ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઘટી રહ્યાનો આરોગ્ય મંત્રીએ દાવો કર્યો

ટોરોન્ટો : ઓન્ટેરિયોમાં કોવિડના ચોથા તબક્કાની સંભાવના છે. જેથી આ લહેરને ટાળવા માટે સ્ટે એટ હોમના આદેશની મુદત જુન સુધી લંબાવવામાં આવે એવી શકયતા છે. આરોગ્યમંત્રી ક્રિસ્ટીન એલિયટે એ વિશે સંકેત આપતાં જણાવ્યું હતું કે, ત્રીજા તબક્કાની ટોચ એપ્રિલમાં જોવા મળી હતી. જેના પગલે સત્તાવાળાઓએ સાવચેતીના પગલાઓ વધુ સમય માટે લેવા પડશે. હાલમાં સ્ટે એટ હોમનો અમલ થઈ રહ્યોે છે. એટલે હોસ્પિટલોમાં આઈસીયુમાં દર્દીઓની સંખ્યામાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડો નોંધપાત્ર ન બને ત્યાં સુધી પ્રતિબંધો હટાવી શકાય નહીં. સોમવારે કિવન્સ પાર્કમાં પત્રકારો સાથેની વાતચીતમાં આરોગ્ય મંત્રીએ આ જાણકારી આપી હતી. તેમણે કહ્યુંં હતું કે, જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને જે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે એનો અમલ લંબાવવો જરૂરી બને છે. છેલ્લા બે અઠવાડિયાના ઘટાડાને જોતાં તત્કાળ પ્રતિબંધો હળવા કરી ન શકાય. આવનારા અઠવાડિયાઓમાં સ્થિતીની સમીક્ષાા કર્યા બાદ જ કોઈ નિર્ણય લઈ શકાશે એમ પણ તેમણે કહ્યુંં હતું. પ્રિમીયર ફોર્ડના પ્રવકતાએ સોમવારે કહ્યુંં હતું કે, હાલમાં સ્ટે એટ હોમની મુદત ર૦મી મે સુધીની હતી. જે હજું બીજી જુન સુધી લંબાવવામાં આવશે. ચીફ મેડિકલ ઓફિસર ફોર હેલ્થ ડો. ડેવિડ વિલિયમ્સે કહ્યુંં હતુ કે, કોવિડ-૧૯ના કેસોમાં હજુ ઘટાડો ન જોવા મળે ત્યાં સુધી પ્રતિબંધો હળવા નહીં કરી શકાય. ચોથા તબક્કાને ટાળવા પ્રતિબંધો જરૂરી છે. કેસોની સંખ્યા ૧૦૦૦થી ઓછી ન થાય ત્યાં સુધી પ્રતિબંધો યથાવત રાખવા પડશે.