ટોરોન્ટોમાં અજાણ્યા શખ્સે ઘરમાં ગેરકાયદે ઘૂસી ખાવાનું બનાવી મહિલાના કપડા પહેરી લીધા

July 24, 2021

ટોરોન્ટો : ડાઉન ટાઉનમાં રહેનારી એક મહિલા સોમવારની રાત્રે જયારે એના ઘરે પાછી ફરી ત્યારે તેણે એક અજાણ્યા વ્યકિતને પોતાના ઘરમાં જોયો હતો. વળી તે શખ્સે આ મહિલાના કપડા પણ પહેરી લીધા હતા અને રસોઈ કરી રહયો હતો. મહિલાએ આ ઘટના અંગે તરત જ પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના ગ્લોસેસ્ટર સ્ટ્રીટ અને યોન્ગ નજીકના એપાર્ટમેન્ટમાં બની હતી. જે સાંજે પાંચ વાગ્યાની આસપાસની હોવાનું પોલીસે બુધવારની અખબારી યાદીમાં જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, ૩૩ વર્ષીય મહિલાએ આ ફરિયાદ લખાવી હતી કે જયારે તે ઘરે પાછી ફરી ત્યારે એના એપાર્ટમેન્ટમાં અજાણ્યો માણસ હતો. જેણે તેણીના કપડા પહેર્યા હતા. અને રસોડામાં ખાવાનું બનાવી રહ્યો હતો. 
આ મહિલાની અંગત ચીજો લઈને તે જતો રહ્યો હતો. પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે જઈ તપાસ શરૂ કરી હતી અને એ વ્યકિતને થોડા સમયમાં જ પકડી પાડ્યો હતો. આ શખ્સની નામ રોબર્ટ એન્થોની સ્ટમ્પો હોવાનુ અને તે ૩પ વર્ષીય હોવાનું બહાર આવ્યું હતુ. બિનઅધિકૃત રીતે એક મહિલાના ઘરમાં પ્રવેશવાના ગુનાસર તેને બુધવારે અદાલતમાં રજુ કરવામાં આવ્યો હતો. પોલીસ આ અંગે લોકો પાસેથી જાણકારી માંગી રહી છે કે આવું કોઈ બીજાઓ સાથે પણ થયું હોય તો એની પણ તપાસ થઈ શકે.