ખુલ્લામાં કપડાં વેચતા ફેરિયાઓ-વેપારીઓએ 15 દિવસે કોરોના ટેસ્ટ કરાવવો પડશે, ગ્લોવ્ઝ પહેરવાં પડશે

October 17, 2020

અમદાવાદ શહેરમાં કોરોના વાઇરસનું સંક્રમણ હવે ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે ત્યારે સાવચેતી અને તકેદારીના ભાગરૂપે શહેરમાં નાના વેપારીઓ અને ફેરિયાઓ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.

અમદાવાદમાં લૉકડાઉન બાદ હવે અનલૉકની પ્રક્રિયા અંતર્ગત લોકો પોતાના ધંધા-રોજગાર તરફ વળ્યા છે. ધીરે ધીરે લોકો હવે સામાન્ય જીવન તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે એક સમયે સુપર સ્પ્રેડર બનેલા શાકભાજીની લારીવાળાઓ તેમજ નાના વેપારીઓ સહિત શહેરમાં પાથરણાંવાળાઓ અને કપડાં વેચતા ફેરિયાઓ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. હવે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી હોવાથી લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. માર્કેટમાં પણ હવે સ્થિતિ સામાન્ય થવા તરફ છે. ત્યારે શહેરમાં કોરોના વાઇરસનું ધીમું પડેલું સંક્રમણ વધે નહીં એની તકેદારીના ભાગ રૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાઈડલાઈન્સ તૈયાર કરવામા આવી છે.

આ નિયમોનું પાલન કરવું પડશે
શાકભાજીની લારીવાળા, પાથરણાંવાળા, ફેરિયાઓ તથા નાના વેપારીઓએ હવેથી સેનિટાઈઝિંગ અને થર્મલ ગન રાખવાં પડશે, એ ઉપરાંત હાથલારી ચલાવતા ફેરિયાઓએ હાથ ઢાંકવા માટે ગ્લોવ્ઝ પહેરવાનાં રહેશે તેમજ દર 15 દિવસે તેમણે કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે. ડોમના પ્રવેશદ્વાર પર સેનિટાઈઝર અને ટેમ્પરેચર માપવા થર્મલ ગન પણ રાખવાં પડશે.