સાત ક્રમાંકના ફાયદા સાથે સ્ટુઅર્ટ બ્રોડ ત્રીજા સ્થાને

July 29, 2020

દુબઇઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની નિર્ણાયક ટેસ્ટમાં ઘાતક પ્રદર્શન કર્યા બાદ મેન ઓફ ધ મેચ તથા સિરીઝ બનેલો ઇંગ્લેન્ડનો સિનિયર પેસ બોલર સ્ટુઅર્ટ બ્રોડ આઇસીસી બોલર્સ રેન્કિંગમાં સાત ક્રમાંકના ફાયદા સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. છેલ્લી ટેસ્ટમાં કુલ ૧૦ વિકેટ હાંસલ કરનાર બ્રોડે છેલ્લે ૨૦૧૬ના ઓગસ્ટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કર્યું હતું. તે ૨૦૧૬માં વિશ્વનો નંબર-૧ બોલર બન્યો હતો. ૩૪ વર્ષી બ્રોડે ત્રીજી ટેસ્ટના પ્રથમ દાવમાં ૪૫ બોલમાં ૬૨ રનની આક્રમક ઇનિંગ રમી હતી જેના કારણે તેને બેટિંગમાં પણ સાત ક્રમાંકનો ફાયદો થયો છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડ તરફથી ત્રીજી ફાસ્ટેસ્ટ અડધી સદીના રેકોર્ડને સરભર કરનાર બ્રોડ ઓલરાઉન્ડર્સની યાદીમાં ત્રણ સ્થાનના ફાયદા સાથે ૧૧મા ક્રમાંકે પહોંચી ગયો છે. કોરાના વાઇરસની મહામારીના કારણે માર્ચ મહિનાથી ક્રિકેટથી દૂર રહેલા ભારતીય ખેલાડીઓ બેટ્સમેનોની યાદીમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે. સુકાની વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના સ્ટિવ સ્મિથ બાદ બીજા ક્રમે છે. ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે અનુક્રમે સાતમા તથા નવમા ક્રમાંકે જળવાઈ રહ્યા છે. ઓલરાઉન્ડર્સની યાદીમાં રવીન્દ્ર જાડેજા ત્રીજા તથા અશ્વિન પાંચમા ક્રમાંકે છે. વિન્ડીઝ બોલર કેમર રોચ ૧૫માં ક્રમે પહોંચ્યો છે.