ધો.1થી5ના વર્ગોમાં વિદ્યાર્થી સંખ્યા વધીઃ 35 ટકા હાજરી, ધો.6થી8માં પણ 37 ટકા જેટલી હાજરી

November 24, 2021

નવસારી : કોરોનાને લીધે 20 મહિના બાદ ગુજરાતમાં પ્રાથમિક સ્કૂલોમાં ધો.1થી5ના વર્ગોમા 22મીથી ઓફલાઈન શિક્ષણ-કલાસરૃમ શિક્ષણ શરૃ થયુ છે.ગઈકાલે પ્રથમ દિવસે સરકારી સ્કૂલોમાં 15 ટકા જેટલી હાજરી નોંધાઈ હતી.જો કે સરકારની એક જ દિવસ પહેલા અને તે પણ રવિવારે ઓચિંતી જાહેરાતને પગલે ગઈકાલે પ્રથમ દિવસે ઘણી સ્કૂલોએ તૈયારીના અભાવે 1થી5ના વર્ગો શરૃ કર્યા ન હતા.પરંતુ આજે બીજા દિવસે ઘણી સ્કૂલોએ 1થી5ના વર્ગો શરૃ કરી દીધા હતા અને બીજા દિવસે ધો.1થી5ના વર્ગોમાં વિદ્યાર્થીઓની હાજરી વધીને 35 ટકા જેટલી થઈ છે.32978 સરકારી સ્કૂલોના 3315262 વિદ્યાર્થીઓમાંથી 1159160 વિદ્યાર્થીઓને વાલીઓએ સ્કૂલે મોકલ્યા હતા.અમદાવાદમાં 34.29 ટકા અને કોર્પોરેશન સ્કૂલોમાં 15.51 ટકા હાજરી નોંધાઈ હતી.

સૌથી વધુ નવસારીમાં 56.40 ટકા હાજરી નોંધાઈ હતી.મહત્વનું છે કે આદિવાસી વિસ્તારોમાં જ્યાં વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ,કમ્પ્યુટરની કોઈ વ્યવસ્થા ન હોવાથી ઓનલાઈન ભણી શકતા નથી ત્યારે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોના જિલ્લામાં સૌથી વધુ હાજરી નોંધાઈ છે. નર્મદામાં 45.76 ટકા, ડાંગમાં 38.65 ટકા,નવસારીમાં 56.40 ટકા,પંચમહાલમાં 30 ટકા, વલસાડમાં 45.41  ટકા અને તાપીમાં 52.85 ટકા,ભરૃચમાં 45.16 ટકા હાજરી નોંધાઈ છે.આ ઉપરાંત સૌરાષ્ટ્રના પણ ઘણા જિલ્લામાં 40 ટકા જેટલી હાજરી નોંધાઈ છે. જ્યારે ધો.6થી8ની સ્કૂલો 1લી સપ્ટેમ્બરથી શરૃ થઈ ગઈ છે ત્યારે હાલ ધો.6થી8ના વર્ગોમાં 36.61 ટકા વિદ્યાર્થી હાજરી છે.સૌથી વધુ નવસારીમાં 56.75 ટકા વિદ્યાર્થી હાજરી છે.