મહિલા ડૉકટરોમાં આત્મહત્યાનું જોખમ, સામાન્ય કરતા 76 ટકા વધારે, બ્રિટિશ મેડિકલ જર્નલનો દાવો

September 03, 2024

મહિલા ડોકટરોના બ્રિટિશ મેડિકલ જર્નલ (બીએમજે)માં પ્રકાશિત સ્ટડી રિપોર્ટ અનુસાર સામાન્ય લોકોની સરખામણીમાં મહિલા ડૉકટરોમાં આત્મહત્યાનું જોખમ 76 ટકા વધારે છે. આ સ્ટડીમાં 20 દેશો સાથે જોડાયેલા આંકડાઓનું વિશ્વલેષણ કરવામાં આવ્યું હતું. આ તથ્યો પરથી સાબીત થાય છે કે દુનિયા ભરમાં મહિલા તબીબો ખૂબજ દબાણમાં કામ કરવા મજબૂર છે આથી તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર વિપરિત અસર થઇ રહી છે. દેશ અને ક્ષેત્રના આધારે જોખમ ઓછુ વત્તુ જોવા મળે છે કયાંય આદર્શ સ્થિતિ જોવા મળતી નથી. છેલ્લા કેટલાક વર્ષોના સ્ટડી પરથી ધ્યાનમાં આવ્યું છે કે અમેરિકામાં એક દિવસમાં સરેરાશ 1 ડૉકટર આત્મહત્યા કરે છે. યુનાઇટેડ કિંગડમમાં 10 દિવસે એક તબીબ આત્મહત્યા કરે છે. આ સ્ટડી માટે વિયેના યુનિવર્સિટી સાથે જોડાયેલા સંશોધકોએ 1960 થી 31 માર્ચ 2024 સુધીના 20 દેશોમાં પ્રકાશિત થયેલા 39 શોધ નિબંધોને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. વર્ષવાઇઝ આત્મહત્યાની ઘટનાઓની સરખામણી મહિલા ડોકટરો સાથે કરતા ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. આ સ્ટડીમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે કેટલાક વર્ષોમાં તબીબોની આત્મહત્યાની ઘટનાઓમાં ઘટાડો થયો છે તેમ છતાં મહિલા ડોકટરોમાં આત્મહત્યાનો દર ખૂબજ ઉંચો છે. જો કે સ્ટડી માટે જેટલા પણ સંસાધનો અને સંદર્ભનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. ડોકટરોમાં પરિપૂર્ણ થવાની ધગશ હોય છે. સાથે ખૂબજ પ્રતિ સ્પર્ધા પણ હોય છે આથી તણાવ પૂર્ણ માહોલમાં ખુદને જ દોષિત માની લે છે. આની અસર પોતાના આત્મસન્માન પર પડે છે. અસફળ થવાનો ડર પણ રહેલો હોય છે. ખાસ કરીને મહિલા ચિકિત્સકોએ તણાવ અને આત્મહત્યાના જોખમોનો વિચાર કરીને લાંબા સમયથી ચાલતી સમસ્યા પર ધ્યાન આપવાની જરુરિયાત છે. તબીબો નિયમોમાં સુધાર, મેડિકલ વર્ક અને જીવન વચ્ચે સંતુલન જળવાય તે માટે કર્મચારીઓની ભાવનાત્મક અને મનો વૈજ્ઞાનિક જરુરિયાતોને પણ સમજવી જરુરી છે. પોતાની પીડા ચૂપચાપ સહન ના કરવી પડે તેનો ઉપાય કરવો જરુરી છે.