સુરતઃ 160 કરોડની લૂંટનો પ્લાન, ડુમસમાં આધેડના હાથ-પગ બાંધી હત્યા કરી લૂંટ ચલાવી

April 07, 2021

સુરતમાં ડુમસ ગામમાં આધેડને બંધક બનાવી હાથ-પગ બાંધી હત્યા કરી લૂંટ ચલાવવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ગુનાનો ભેદ ઉકેલી કાઢતાં ક્રાઈમ બ્રાન્ચે પાંચ ખુંખાર આરોપીઓની ધરપકડ કરી છે. 160 કરોડના લૂંટ પ્લાનમાં પૈસાની જરૂર હોવાથી આધેડની હત્યા કરવામાં આવી હતી. અને આધેડના પાડોશમાં જ રહેતી મહિલાએ આધેડની ટીપ આપી હતી.
ઘટનાની વિગતમાં વાત કરીએ તો, ડુમસના કાંદી ફળિયામાં એક અઠવાડિયા પહેલાં મોડી રાત્રીના સમયે પાંચ અજાણયા ઈસમોએ એકલા રહેતા આધેડ ભુપેન્દ્ર ગોવિંદભાઈ પટેલની ઘરમાં ઘુસી જઈ તેમના હાથ પગ બાંધી હત્યા કરી હતી. અને 4 લાખની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. આ ચકચારી ઘટનાને પગલે ડુમસ પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પણ દોડતી થઇ ગઈ હતી. આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી કાઢી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમજ રોકડ રૂપિયા તથા પિસ્તોલ સહિત મુદ્દામાલ કબ્જે કર્યો છે.


ડુમસમાં બનેલ લૂંટ વિથ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી પાંચ ખૂંખાર આરોપીને ઝડપી પાડ્યા છે. જેમાં વિશાલ લાખો વાણિયા, પ્રતાપ હરસુખ ઉર્ફ ચીના ગીડા, મિથુન ઉર્ફે શેટ્ટી મોહન વાણિયા, પીટુ અર્જુન ચૌધરી અને કેતન રમેશ હડિયાનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી બે પિસ્તોલ, બે કાર્ટિજ, ચોરીની બે મોટર સાયકલ, અને રોકડા એક લાખ રૂપિયા સહીત 2,46,500ની મત્તા કબ્જે કરવામાં આવી છે.


પકડાયેલા આરોપીઓએ બદલાપૂર-મુંબઈ ખાતે વાંગની હાઇવે પર એક બંગલામાંથી 160 કરોડની લૂંટ કરવાની યોજના બનાવેલી હતી. ત્યાં રેકી પણ કરી અને તે ગુનાને પાર પાડવા માટે તેમને જરૂરી સાધન સામગ્રી તથા રૂપિયાની જરૂર હોવાથી આરોપીએ ડુમસમાં આધેડની હત્યા કરી તેમના ઘરમાંથી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતા.


ચોંકાવનારી વાત એ છે કે આ ગેંગને ટીપ આપનારી આધેડના ફળિયામાં રહેતી ચેતના નામની મહિલા હતી. ચેતના દ્વારા મુંબઈમાં રહેતી એની બહેનને જાણ કરવામાં આવી હતી કે ભુપેન્દ્રકાકા ઘરમાં એકલા રહે છે અને એક જમીનનો સોદો થયો હોવાથી ઘરમાં કરોડો રૂપિયા આવ્યા છે. મુંબઈમાં રહેતી બહેને આ ગેંગને ટીપ આપી હતી. અને આ ગેંગ સુરત આવ્યા બાદ બે મોટર સાયકલની ચોરી કરી હતી. ત્યારબાદ ઘટનાને અંજામ આપવા માટે ડુમસ પહોંચી ગયા હતા. બંગલામાં પ્રવેશી ભુપેન્દ્રભાઈના હાથ પગ બાંધી દીધા હતા અને કરોડો રૂપિયા શોધવામાં લાગી ગયા હતા. જો કે ઘરમાંથી માત્ર ચાર લાખ રૂપિયા મળતાં તેઓએ ભૂપેન્દ્રભાઈની હત્યા કરી દીધી હતી. તમામ આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા.