નેશનલ ગેમ્સ માટે સુરત તૈયાર, મંગળવારે શરૂ થશે ટેબલ ટેનિસ ઈવેન્ટ

September 19, 2022

સુરત: રાજ્યના છ શહેરોમાં યોજાઈ રહેલી 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત સુરતમાં તા.20 થી 24 સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધા તથા તા.1 થી 6 ઓક્ટોબર સુધી બેડમિન્ટન સ્પર્ધા યોજાનાર છે, જેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, ત્યારે આ સંદર્ભે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. 

ટેબલ ટેનિસ ઈવેન્ટ્સની પૂર્વસંધ્યાએ મીડિયાને સંબોધતા મ્યુ.કમિશનર બંછાનિધિ પાનીએ મીડિયા પ્રતિનિધિઓને વિગતો આપતા જણાવ્યું કે, આવતીકાલ તા.20મીથી ટેબલ ટેનિસના આગાઝ સાથે સુરત નેશનલ ગેમ્સની સ્પોર્ટ્સ એક્શન શરૂ થશે. સ્પર્ધાનું શેડ્યૂલ 20–24 સપ્ટેમ્બર દરમિયાન પીડીડીયુ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ટેબલ ટેનિસની રમત શરૂ થશે, ત્યારબાદ આ જ સ્થળે તા.1 ઓક્ટોબરથી બેડમિન્ટન થશે જયારે ડુમસ બીચ ખાતે બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલનું આયોજન કરવામાં આવ્યું છે. 115 ખેલાડીઓ શહેરમાં પહોંચ્યા છે, તેમના માટે શ્રેષ્ઠ આવાસીય સુવિધાઓ સાથે રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ પર વેલકમ ડેસ્ક અને પિકઅપ અને ડ્રોપ માટેની પરિવહન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.