સુરત રિઝલ્ટ:શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ 12 અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ, 3 વોર્ડમાં 'આપ' આગળ

February 23, 2021

સુરત : સુરત મહાનગરપાલિકામાં 47.14 ટકા જેટલું મતદાન થયું હતું. સુરતમાં એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ મજૂરાગેટ એમ બે સ્થળોએ મતગણતરી યોજાઈ રહી છે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ થઈ છે. બંને મતગણતરી કેન્દ્રમાં એસવીએનઆઈટીમાં 16 અને ગાંધી એન્જનિયરિંગમાં 14 વોર્ડની મતગણતરી થશે. શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ 7 અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ, 'આપ'3 વોર્ડમાં આગળ ચાલી રહ્યું છે. એસવીએનઆઈટી ખાતે પોલીસ મહિલા કર્મચારીને તબિયત લથડતા 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ છે.

શહેરની એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટ પેપરની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. કર્મચારીઓ અને દૂર રહેતા લોકો જે મતદાન બૂથ પરથી મત ન આપી શક્યા હોય તેવા મતોની સૌ પ્રથમ ગણતરી કરવામાં આવી રહી છે. જેમાં ભાજપને સૌથી વધુ મત મળ્યા છે.

મહાનગરપાલિકામાં આ વખતે ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં મજબૂતી સાથે ઉતરી છે. જેથી રાજકીય પાર્ટીના કાર્યકરો વહેલી સવારથી જ મતગણતરી સ્થળ પર જમાવડો કરીને ઉભા છે. બન્ને કેન્દ્રની બહાર રાખવામાં આવેલી મોટી એલઈડી પર પોતાના ઉમેદવારોના પરિણામ જોવા માટે રાજકીયા પાર્ટીઓના કાર્યકરોએ ખડે પગે ઉભા છે.

મતગણતરી માટે અલગ અલગ વોર્ડનું અલગ રીતે કાઉન્ટીંગ થશે. સૌપ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ વોર્ડના ઈવીએમમાં નોંધાયેલા મતોની ગણતરી થશે. જેથી લગભગ બે વાગ્યા સુધીમાં તમામ વોર્ડના પરિણામ આવી જાયતેવી શક્યતા સેવવામાં આવી રહી છે. હાલ તમામ વોર્ડના ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષીત રીતે સીલ કરી દેવામાં આવ્યાં છે અને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે.

મતગણતરી કેન્દ્ર પર અલગ પોલીસ કંટ્રોલરૂમ, સીસીટીવી કંટ્રોલરૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ, મતગણતરી એજન્ટ પ્રતીક્ષા માટે અલગ ટેન્ટ, પાર્ટી એજન્ટ સીસીટીવી રૂમ, લોકરરૂમ, હેલ્પડેસ્ક,ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ વગેરે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કોરોનાની ગાઈડલાઈનને લઈ માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરાઈ છે. બંને મતગણતરી કેન્દ્ર પર સીસીટીવી કેમેરા મારફતે નજર રાખવામાં આવશે. બહાર ઉમેદવાર અને એજન્ટો મતનું પરિણામ અને અપડેટ જોઈ શકે તેના માટે એક મોટી LED સ્ક્રીન પણ એલ.ડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે લગાવવામાં આવી છે.