સુરતનું ઉત્રાણ બ્લાસ્ટથી ધણધણ્યું:85 મીટર ઊંચા ટાવરને કંટ્રોલ એક્સપ્લોઝિવ ટેક્નોલોજીથી તોડી પડાયું, 72 પિલરમાં એકસાથે બ્લાસ્ટ કરાયા

March 21, 2023

સુરત  : સુરતમાં ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને ડિમોલિશન કરવામાં આવ્યો છે. સવારે 11:00 વાગ્યા આસપાસ ઉત્રાણ પાવર સ્ટેશનના કુલિંગ ટાવર બ્લાસ્ટથી તોડી પાડવામાં આવ્યો છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ઉતારવામાં આવ્યો છે. ગણતરીની સેકન્ડમાં જ એક સાથે 72 પિલરમાં બ્લાસ્ટ કરાયા હતાં. આ સમગ્ર ઘટનાના સાક્ષી બનાવા માટે મોટી સંખ્યામાં લોકો પોતાના મકાનની છત ઉપર એકઠા થઈ ગયા હતાં.આ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ હવે ધીરે ધીરે આપણા દેશમાં પણ શરૂ થયો છે. વિદેશોમાં ઘણાં વર્ષોથી આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હતો. વિશેષ કરીને ઊંચી ઇમારતોને ગણતરીની સેકન્ડોમાં જ ધરાશાયી કરવા માટે આ સાયન્ટિફિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ઈમારતના જે પિલર હોય છે. તે પિલર ઉપર આ એક્સપ્લોઝિવ લગાડવામાં આવે છે અને જેટલો પણ કાટમાળ હોય છે. એ સીધેસીધો નીચે બેસી જાય એ પ્રકારની ટેક્નોલોજી હોય છે. જેથી કરીને આસપાસનાં અન્ય બાંધકામોને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી.સરકારી પાવર સ્ટેશનોની અંદરની જે ટાવરો હોય છે તેના માટે એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે. તેના નિર્માણ બાદ 30થી 35 વર્ષ બાદ તેને ડિમોલિશન કરવાનું હોય છે. સુરત ઉત્રાણ કુલિંગ ટાવર વર્ષ 1993માં બનાવવામાં આવ્યો હતો. જેને 2017માં 30 વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર સરકાર દ્વારા આ કુલિંગ ટાવરના ડિમોલિશન માટે નિર્ણય લઇ લેવાયો હતો. જેને આજે સવારે 11 વાગ્યા આસપાસ ડિમોલિશન કરવામાં આવ્યું છે.