સંસદમાં જ આખી રાત ધરણા કરશે સસ્પેન્ડ થયેલા સાંસદો, ઘરેથી મંગાવ્યા ઓશીકા અને ગાદલા

September 21, 2020

નવી દિલ્હી  : સંસદના મોનસૂન સત્રનો સોમવારના 8મો દિવસ છે. કૃષિ બિલને લઇને સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે ગરમાગરમી આજે પણ ચાલી રહી છે. રાજ્યસભામાં રવિવારના કૃષિ બિલને લઇને હોબાળો કરનારા વિરોધ પક્ષના 8 સાંસદોને આજે સભાપતિ વૈંકેયા નાયડૂએ સંપૂર્ણ સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. આના વિરોધમાં તમામ 8 સાંસદ સદનની બહાર જ ધરણા પર બેસી ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સસ્પેન્ડેડ સાંસદ રાતભર સંસદમાં જ ધરણા પ્રદર્શન કરશે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે તો ઘરેથી ઓશીકા અને ગાદલા પણ મંગાવ્યા છે.

સસ્પેન્ડ થનારા સાંસદોમાં ડેરેક ઓ’ બ્રાયન (તૃણમૂલ કૉંગ્રેસ), સંજય સિંહ (આમ આદમી પાર્ટી), રાજૂ સાટવ (કૉંગ્રેસ), કેકે રાગેશ (સીપીઆઈ-એમ), રિપુણ બોરા (કૉંગ્રેસ), ડોલા સેન (તૃણમૂલ કૉંગ્રેસ), સૈયદ નાસિર હુસૈન (કૉંગ્રેસ), એલમારામ કરીમ (સીપીઆઈ-એમ) સામેલ છે. બીજેપી સાંસદે આમની ફરિયાદ કરી હતી, ત્યારબાદ સભાપતિ વૈંકેયા નાયડૂએ સંસદની કાર્યવાહી શરૂ થતા જ આ સાંસદો વિરુદ્ધ એક્શન લીધી.

આ સાથે જ બીજા સસ્પેન્ડેડ સાંસદ પણ સંસદની અંદર ગાંધી સ્ટેચ્યૂ પાસે ધરણા પર બેસી ગયા છે. કૉંગ્રેસ સહિત બીજા વિરોધી દળોનો આરોપ છે કે જે રીતે કાલે ઉપસભાપતિએ વિરોધ પક્ષ દ્વારા કૃષિ બિલ પર મત વિભાજનની માંગનો અસ્વીકાર કર્યો તે સંપૂર્ણ રીતે અસંવૈધાનિક છે. હોબાળા દરમિયાન જે રીતે માર્શલ દ્વારા સાંસદોની સાથે ધક્કામુક્કી અને રાજ્યસભા TVની કાર્યવાહીને રોકી દેવામાં આવી હતી, એ પણ સંસદીય મર્યાદાઓ વિરુદ્ધ છે.

સસ્પેન્ડેડ સાંસદોનો એ પણ આરોપ છે કે રવિવારના 12 રાજકીય દળોના 100 સાંસદો દ્વારા ઉપ-સભાપતિની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને આજે સાંભળ્યા વગર ફગાવવામાં આવ્યો. સાથે જ સમગ્ર દોષ વિરોધ કરી રહેલા વિરોધ પક્ષના સાંસદો પર નાંખવામાં આવ્યો. આનાથી સ્પષ્ટ છે કે મોદી સરકાર સંસદને સંસદીય મર્યાદાઓ અનુરૂપ નથી ચલાવવા માંગતી. વિપક્ષે પણ આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર ગુજરાત મોડલને સંસદ પર પણ થોપવા ઇચ્છે છે.