દેશમાં ચોથી કોરોનાની લહેરની આશંકા? રેલ યાત્રાના નિયમોમાં ફેરફાર

May 12, 2022

દિલ્હીઃ દેશમાં ફરી કોરોના કેસ સામે આવવા લાગ્યા છે. બુધવારના આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં કોરોના સંક્રમણના 2798 કેસ સામે આવ્યા હતા. તો દિલ્હીમાં આજે 970 નવા કેસ સામે આવ્યો છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 3.34 ટકા છે. પરંતુ શું દેશમાં ચોથી લહેરની આશંકા છે? આ વચ્ચે ભારતીય રેલવે એલર્ટ થઈ ગયું છે. રેલ યાત્રામાં ફરી કોરોના પ્રોટોકોલની વાપસી થઈ રહી છે. રેલ મંત્રાલયના સૂત્રો અનુસાર રેલ યાત્રીકો માટે સંશોધિત એસઓપી તૈયાર કરવામાં આવી છે. તે પ્રમાણે હવે ફરી ફેસ માસ્ક પહેરવું પડશે. સાથે સ્વાસ્થ્ય મંત્રાલય અને ગૃહ મંત્રાલયની એસઓપીનું પાલન કરવું પડશે. 


રેલવેએ યાત્રા કરનાર લોકો માટે સંશોધિત એસઓપી જાહેર કરી છે. મહત્વનું છે કે ભારતીય રેલવે દ્વારા પાંચ મે 2021ના એક એસઓપી જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ તેમાં સમયે-સમયે નિયમ પ્રમાણે ફેરફાર કરવામાં આવતા હતા. રેલવેની સંશોધિત એસઓપીમાં 22 માર્ચ 2022ના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી એસઓપી પણ સામેલ છે. ગૃહ મંત્રાલય દ્વારા માર્ચ 22ના જાહેર સંશોધિત આદેશ અનુસાર સંશોધિત એસઓપી/પ્રોટોકોલ જાહેર કરવામાં આવ્યા છે. 


કોરોનાના સમયમાં ટ્રેનમાં યાત્રા કરવા પર માસ્ક ફરજીયાત હતું. પરંતુ જ્યારે કેસ ઓછા થવા લાગ્યા તો માસ્કના નિયમને મરજીયાત કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ યાત્રીકો માસ્ક વગર યાત્રા કરી રહ્યાં હતા. પરંતુ હવે દેશમાં ચોથી લહેરની આશંકાને જોતા રેલવેએ ફરી યાત્રીકોને માસ્ક પહેરવાનું કહ્યું છે. 

- હવે રેલવેમાં યાત્રા દરમિયાન આ નિયમોનું પાલન કરવુ પડશે
1. રેલ યાત્રીકોએ પહેલાની જેમ યાત્રા દરમિયાન અને એન્ટ્રી-એક્ઝિટ સમયે ફેસ કવર/માસ્ક લગાવવું પડશે. 

2. રેલ યાત્રા કરી રહેલા લોકોએ ગૃહ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય અને રાજ્ય સરકાર દ્વારા સમય-સમય પર જાહેર દિશાનિર્દેશોનું પાલન કરવું પડશે.