ઝૂલતા પુલ દુર્ઘટના કેસ:ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલની કોર્ટમાં શરણાગતિ

January 31, 2023

મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટના મામલે કોર્ટમાં ચાર્જશીટ રજુ થઇ ચુકી છે અને વધુ સુનાવણી તા. 1ના રોજ થવાની છે. તેમજ જયસુખ પટેલની આગોતરા જામીન અરજીની સુનાવણી પણ 1 ફેબ્રુઆરીના રોજ થવાની હતી. તે પૂર્વે જ આજે જયસુખ પટેલે કોર્ટ સમક્ષ હાજર થઈને સરેન્ડર કર્યું છે. ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારો સતત એકસૂરે જયસુખ પટેલની ધરપકડની માગ કરી રહ્યા હતા. ત્યારે હવે જયસુખ પટેલ કોર્ટ સમક્ષ રજુ થઇ ગયા છે. કોર્ટના આદેશ બાદ તેમની ધરપકડ થઇ શકે છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી શકે છે. 

 

મોરબી ઝૂલતો પુલની ગોઝારી દુર્ઘટનામાં 135 નિર્દોષ માનવ જિંદગી હોમાઈ ગયા બાદ પોલીસે ઓરેવા ગ્રુપના મેનેજર સહિત નવ આરોપીને ઝડપી લીધા હતા અને ગુના અંગે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. જે ચાર્જશીટમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલનું નામ ભાગેડુ આરોપી તરીકે ઉમેરવામાં આવ્યું હતું. તો ચાર્જશીટ રજુ થયા બાદ આજે પ્રથમ સુનાવણી મોરબીની કોર્ટમાં શરુ થવા જઈ રહી છે. જે પ્રથમ સુનાવણીમાં આ ગુનામાં ઝડપાયેલા નવ આરોપીઓને ચાર્જશીટની એક એક નકલ આપવામાં આવશે. ત્યારે આજની સુનાવણી પર સૌ કોઈની નજર છે. સાથે જ જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજી અંગે પણ 1 ફેબ્રુઆરીના રોજ સુનાવણી થવાની છે. ત્યારે ઝૂલતો પુલ દુર્ઘટનામાં હવે પ્રતિ દિન નવા ધડાકા થવાની સંભાવના રહેલી છે.