ટી૨૦ ક્રિકેટ: કામરાન અકમલના ૧૦૦ સ્ટમ્પિંગ પૂરા

October 15, 2020

લાહોર: પાકિસ્તાનના કામરાન અકમલે ક્રિકેટની સૌથી નાની ફોર્મેટ ટી૨૦ ક્રિકેટમાં ૧૦૦ સ્ટમ્પિંગ પૂરા કરનાર વિશ્વના પ્રથમ વિકેટકીપર તરીકેની સિદ્ધિ મેળવી હતી. કામરાને પાકિસ્તાનની નેશનલ ટી૨૦ કપ ટૂર્નામેન્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. ટી૨૦ ક્રિકેટમાં સ્ટમ્પિંગના મામલે ભારતનો ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની બીજા સ્થાને છે જેણે આ ફોર્મેટમાં ૮૪ સ્ટમ્પિંગ કર્યા છે. ટી૨૦ ક્રિકેટમાં સ્ટમ્પિંગની યાદીમાં શ્રાીલંકાનો કુમાર સંગાકારા (૬૦ સ્ટમ્પિંગ) ત્રીજા, ભારતનો દિનેશ કાર્તિક ચોથા (૫૯) તથા અફઘાનિસ્તાનનો મોહમ્મદ શેહઝાદ (૫૨) પાંચમા ક્રમે છે.  ટી૨૦ ઇન્ટરનેશનલ  ક્રિકેટમાં ધોની ૯૮ મેચમાં ૩૪ સ્ટમ્પિંગ સાથે મોખરાના સ્થાને છે. ત્યારબાદ અકમલનો સમાવેશ થાય છે જેણે પાકિસ્તાન તરફથી ૫૮ મેચ રમીને ૩૨ સ્ટમ્પિંગ કર્યા હતા. બાંગ્લાદેશના મુશફિકુર રહીમે ૨૯, અફઘાનિસ્તાનના શેહઝાદે ૨૮ તથા સંગાકારાએ ૨૦ સ્ટમ્પિંગ કર્યા હતા. ઓવરઓલ ક્રિકેટમાં મહેન્દ્રસિંહ ધોની ૧૨૩ સ્ટમ્પિંગ સાથે પ્રથમ સ્થાને છે. ત્યારબાદ કુમાર સંગાકારા (૯૯), કાલુવિર્થના (૭૫), મોઇન ખાન (૭૩) તથા એડમ ગિલક્રિસ્ટનો (૫૫) સમાવેશ થાય છે.