ચીન-તાઈવાન તણાવ વચ્ચે તાઈવાનના મિસાઈલ સાયન્ટિસ્ટનું શંકાસ્પદ હાલતમાં મોત

August 06, 2022

તાઈપેઃ તાઈવાન ડિફેન્સ એન્ડ રિસર્ચ વિંગના ડેપ્યુટી ચીફ શનિવારે સવારે હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તાઈવાનની સત્તાવાર કેન્દ્રીય સમાચાર એજન્સીએ આ વાતની પુષ્ટિ કરી છે. અહેવાલ પ્રમાણે તાઈવાનની સૈન્યની માલિકીની નેશનલ ચુંગ-શાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના ડેપ્યુટી ચીફ ઓ યાંગ લી-હિંગ શનિવારે સવારે દક્ષિણ તાઈવાનમાં એક હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમની મોતના પાછળના કારણોની તપાસ ચાલી રહી છે. યાંગ લી-હિંગ પિંગટુંગના દક્ષિણી કાઉન્ટીની વ્યવસાયિક યાત્રા પર હતા. તેમણે તાઈવાનની વિભિન્ન મિસાઈલ નિર્માણ પરિયોજનાઓની દેખરેખ માટે આ વર્ષની શરૂઆતમાં નેશનલ ચુંગ-શાન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના ઉપ પ્રમુખના રૂપમાં પદ ગ્રહણ કર્યું હતું. તાઈવાની સેનાની માલિકીની સંસ્થા આ વર્ષે પોતાની વાર્ષિક ક્ષમતાને ડબલથી વધુ 500ની નજીક કરવા માટે કામ કરી રહી છે. કારણ કે, આ ટાપુ દેશ ચીનના વધતા સૈન્ય જોખમના રૂપમાં પોતાની યુદ્ધ શક્તિને ઝડપથી વધારવાની દિશામાં કામ કરી રહ્યો છે. 
ખાસ કરીને તાજેતરમાં જ બેઈજિંગે પોતાની તથાકથિત વન ચાઈના નીતિ પર ભાર મૂક્યો છે અને તાઈવાન પ્રત્યે આકરું વલણ અપનાવી રહ્યું છે. વર્તમાનમાં ચીન અમેરિકી સંસદની અધ્યક્ષ નેન્સી પેલોસીની તાઈવાન યાત્રાના પ્રતિશોધમાં આ તાપુ દેશની ચારે તરફ ઘેરાબંધી કરી મોટા પાયે સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે. આ દરમિયાન તાઈવાને ચીનની સેના પર શનિવારે પોતાના મુખ્ય દ્વિપ પર હુમલાનું અનુકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો. નેન્સી પેલોસી 25 વર્ષમાં તાઈવાનનો પ્રવાસ કરનાર પ્રથમ અધ્યક્ષ છે.