તક્ષશિલા અગ્નિકાંડ, 9 મહિનાથી નાસતો ફરતો અંતિમ ભાગેડુ આરોપી ઝડપાયો

February 12, 2020

રાજકોટ જિલ્લાના ઉપલેટ તાલુકામાં આવેલા રબારિકા ગામના વતની અને સુરતમાં વાલક ગામ કામરેજ ખાતે આવેલી અવધ રેસિડેન્સીમાં રહેતા દિનેશ કાનજીભાઇ વેકરિયા અત્યંત ચક્ચારી તક્ષશિલા અગ્નિકાંડ કેસના આરોપી છે. ક્રાઇમ બ્રાંચે તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરતા જ તેઓ ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. તક્ષશિલા આર્કેડમાં ગેરકાયદે બાંધકામ કરી તેમાં ટયૂશન કલાસ ચલાવવા માટે ભાડે આપવાના ગુના હેઠળ તેમની સામે ફરિયાદ દાખલ થઇ છે.


આ ગુનામાં પોતાની ધરપકડ ટાળવા તેઓ છેલ્લા નવ માસથી ફરાર થઇ ગયા હતા. ક્રાઇમ બ્રાંચે કુલ 14 પૈકી 13 આરોપીઓની ધરપકડ કરી તમામને લાજપોર જેલને હવાલે કરી દીધા હતા. આ કેસમાં ડીસીબી દ્વારા કોર્ટમાં રજૂ થયેલી 4875 પાનાની દળદાર ચાર્જશીટમાં પણ બિલ્ડર દિનેશ વેકરિયાને ભાગેડુ જાહેર કરાયો હતો. લાંબા સમયથી તેઓ પોલીસ સાથે સંતાકુકડી રમી રહ્યાં હોય મંગળવારે ક્રાઇમ બ્રાંચે બાતમીને આધારે તેમને ઝડપી પાડયા હતા.
સાંજે સાડા પાંચ કલાકે વેકરિયા આંજણા ફાર્મ વિસ્તારમાં આવવાના હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ નિયત લોકેશન ઉપર વોચ ગોઠવી હતી. અહીં વેકરિયા આવતા જ તેને દબોચી લેવાયો હતો. દિનેશ વેકરિયાની ધરપકડ સાથે જ તમામ 14 આરોપીઓની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી લીધી હતી.

તક્ષશિલા આર્કેડમાં 22 હતભાગીઓને મોતના ખપ્પરમાં હોમી દેનારા ટયૂશન કલાસના સંચાલક ભાર્ગવ બુટાણીએ આજે અત્રેની સેશન્સ કોર્ટમાં જામીન અરજી ફાઇલ કરી હતી. આ અરજી ઉપર કોર્ટમાં સંભવતઃ બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બુટાણીએ અગાઉ જામીન મેળવવા પોતે બાળકોને બચાવ્યા હોવાનું તથા પોતાને જામીન મળે તે માટે વાલીઓનું સમર્થન હોવાની ખોટી એફિડેવિટ કોર્ટમાં ફાઇલ કરી હતી. કોર્ટે તેની ગંભીર નોંધ લીધી હતી. તેમનો આ ભાંડો ફૂટી જતાં જામીન અરજી પરત ખેંચવી પડી હતી.