તાલિબાનનો ગજબનો પ્લાન! જંગ લડ્યા વગર જ અફઘાનિસ્તાન જીતવાની તૈયારી

July 21, 2021

કાબૂલ ઃ અફઘાનિસ્તાનથી અમેરિકા સેનાની વાપસી બાદ તાલિબાન લડાઈ વિના જ જીત હાંસલ કરવાની તૈયારીમાં છે. તાલિબાન હવે કાબૂલની સરકારની સરખામણીમાં અફઘાનિસ્તાન બોર્ડર પોસ્ટ પર ખુબ જ મજબૂતથી કબ્જો જમાવીને બેઠું છે. તેવામાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ આતંકી સંગઠન વધારે ખૂન-ખરાબા કર્યા વગર દેશ પર રણનૈતિક રીતે કબ્જો જમાવવાની તૈયારીમાં છે. જે બોર્ડર પોસ્ટ પર તાલિબાનનું નિયંત્રણ છે, ત્યાં વેપાર રોકાઈ ગયો છે. તેવામાં અફઘાન સરકારને રાજસ્વનું ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. આ ઉપરાંત આપૂર્તિમાં અડચણ આવતાં રાજધાની કાબૂલમાં ખાવા-પીવાની વસ્તુઓની પણ અછત થવા લાગી છે.

તાલિબાને પાકિસ્તાન, ઈરાન, તાજિકિસ્તાન અને તુર્કમેનિસ્તાન સાથે જોડતી હેરાત, ફરહા, કંધાર, કુંદુજ, તખર અને બદખ્શાં વિસ્તારમાં અનેક મોટા હાઈવે અને બોર્ડર પોસ્ટ પર કબ્જો જમાવી દીધો છે. આ રસ્તાઓથી 2.9 બિલિયન ડોલરની ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કરાય છે. અફઘાનિસ્તાનની અશરફ ગની સરકાર હાલ નંગરહાર, પકત્યા, પક્તિકા, ખોસ્ત અને નિમરોજ વિસ્તારોમાં ઈરાન અને પાકિસ્તાન સાથે લાગતી બોર્ડર પોસ્ટ પર કબ્જો જમાવેલો છે. આ રસ્તાઓથી થતાં વેપારની કુલ કિંમત 2 બિલિયન ડોલરની આસપાસ છે. આતંકીઓના આ પ્લાનથી અમેરિકા પણ હેરાન છે. અમેરિકા સેનાના અનેક એક્સપર્ટ પણ તાલિબાનની વધતી તાકાત જોતાં ચેતવણી આપી ચૂક્યા છે.

ઉઝ્બેકિસ્તાન અને તુર્કમેનિસ્તાનની સાથે લાગતી બે બોર્ડર પોસ્ટ પર કબ્જાને લઈને ભયંકર લડાઈ ચાલુ છે. તાલિબાનના લડાકુ અને સરકારી સેનાના જવાન અને બલ્ખ વિસ્તારમાં પોતાનો દબદબો કાયમ કરવા માટે અનેક દિવસથી યુદ્ધ લડી રહ્યા છે. ચારેબાજુ જમીનથી ઘેરાયેલા અફઘાનિસ્તાનની સીમા પશ્ચિમમાં ઈરાન, પૂર્વ અને દક્ષિણમાં પાકિસ્તાન અને ઉત્તરમાં તુર્કમેનિસ્તાન, ઉઝ્બેકિસ્તાન અને તાજિકિસ્તાન સાથે છે. પાકિસ્તાનના ઉત્તર ક્ષેત્રોની સાથે પૂર્વોત્તરમાં એક સંકીર્ણ વખાન પટ્ટી અફઘાનિસ્તાનને ચીનના શિનજિયાંગ ઉઈગર ક્ષેત્ર સાથે જોડે છે.