માંડવીના આમલી ડેમમાં શ્રમિકો સાથેની નાવડી પલટી, 2નાં મોત, 3ને બચાવી લેવાયા,5ની શોધખોળ ચાલુ

January 11, 2022

સુરત : સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમમાં દુર્ઘટના સર્જાઈ છે. આમલી ડેમમાં નાવડીમાં બેસાડીને શ્રમિકોને વચ્ચે આવેલા ડુંગર પરથી ઘાસ લેવા જતા હતાં. એ દરમિયાન નાવડી પલટી મારી ગઈ હતી. જેથી ડેમમાં 10 જેટલા શ્રમિકો ડૂબી રહ્યાં હતાં.

તાત્કાલિક શ્રમિકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 3 શ્રમિકોને બચાવી લેવાયા હતા જ્યારે 2નાં મોત નીપજ્યાં હતાં. જ્યારે હાલ 5 શ્રમિકોની શોધખોળ ચાલુ છે.

આમલી ડેમની વચ્ચે આવેલા ડુંગર પર ઘાસચારો લેવા માટે શ્રમિકો નીકળ્યાં હતાં. રોજિંદા ક્રમ પ્રમાણે શ્રમિકો નાવડીમાં બેસીને ઘાસચારો લેવા જતાં હતાં. એ દરમિયાન નાવડી પલટી મારી ગઈ હતી. જેથી શ્રમિકો ડેમના પાણીમાં ડૂબવા લાગ્યાં હતાં.

દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને તંત્ર દ્વારા બચાવ કામગીરીમાં 3 શ્રમિકોને બચાવી લેવામાં સફળતા મળી હતી. જ્યારે અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે.