તનુશ્રીનો શાપઃ આવતાં વર્ષ સુધીમાં બોલીવૂડ દેવાળિયું થઈ જશે

August 06, 2022

મુંબઇ : ભારતમાં અને ખાસ કરીને બોલીવૂડમાં મી ટૂ મૂવમેન્ટની શરુઆત કરનારી મહિલાઓમાંની એક તનુશ્રી દત્તાએ આગાહી કરી છે કે આગામી વર્ષના અંત સુધીમાં બોલીવૂડમાં નાણાંના સ્ત્રોત સુકાઈ જશે અને ઇન્ડસ્ટ્ીનાં મોટાં મોટાં નામો કહેવાય તેવા લોકો દેવાળિયા થઈ જશે. અભિનેત્રીએ સોશિયલ  મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે ભવિષ્યવાણી કરી છે કે, ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં  મોટાભાગના ફાઈનાન્સિઅર્સ હિન્દી ફિલ્મો માટે ફંડ આપવાનું જ બંધ થઈ જશે. તેની સાથે સાથે  ટોચના પ્રોડકશન હાઉસ અને કલાકારો ૨૦૨૩ સુધીમાં દિવાળિયા થઇ જશે. લોકોને જેમના વિશે જાણીને નવાઈ લાગે એવાં મોટાં નામો દેવાળું ફૂંકશે. 
તનુશ્રીના જણાવ્યા અનુસાર ઓટીટી પર પણ હિંદી ફિલ્મોની વ્યૂઅરશિપ ઘટશે. લોકો દુનિયાભરની કન્ટેન્ટ જોશે. સાઉથની ફિલ્મો વધુ પોપ્યુલર થશે. બોલીવૂડ માટે લોકોની નફરતનું પરિણામ એ આવશે કે સાઉથના સિતારાઓ પણ બોલીવૂડ છોડી દેશે. લોકો બોલીવૂડ અને તેના કલાકારોની વિરુદ્ધ થઈ જશે. આ સમય ચોક્કસ આવશે. 
તનુશ્રીની ફિલ્મ કારકિર્દી ખાસ આગળ વધી નથી. પરંતુ, તેણે નાના પાટેકર સામે જાતીય શોષણ તથા ફિલ્મ સર્જક વિવેક અગ્નિહોત્રી સામે સતામણીના આક્ષેપો કરી ખળભળાટ મચાવ્યો હતો. તનુશ્રીએ આ અંગે જાહેર નિવેદનો કર્યા બાદ બીજી પણ યુવતીઓ આગળ આવી હતી અને તેમણે પોતપોતાને થયેલા ખરાબ અનુભવોની વાત શેર કરી હતી.