શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર:શિખર ધવન T-20 અને વનડે સિરીઝમાં કેપ્ટન રહેશે, ભાવનગરના ખેલાડી ચેતન સાકરિયાનો ટીમમાં સમાવેશ

June 11, 2021

મુંબઈ : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ શ્રીલંકા પ્રવાસ માટે વન-ડે અને T-20 ટીમોની જાહેરાત કરી છે. ઓપનર શિખર ધવનને બન્ને ફોર્મેટમાં કેપ્ટન તરીકે જવાબદારી આપવામાં આવી છે. ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર ઉપ-કેપ્ટન રહેશે. કોચના નામ પર હજુ સસ્પેન્સ છે, જોકે એવું માનવામાં આવે છે કે રાહુલ દ્રવિડ આ ટુરમાં ટીમના મુખ્ય કોચ રહેશે. ભારતીય ટીમમાં ભાવનગરના ઝડપી બોલર ચેતન સાકરિયાને પણ સ્થાન મળ્યું છે.

ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસ પર પહેલા 3 વનડે સિરીઝ રમશે. આ મેચ 13,16 અને 18 જુલાઈના રોજ રમાશે. ત્યારબાદ 21,23 અને 25 જુલાઈના રોજ 3 ટી-30 મેચની સિરીઝ રમશે. તમામ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.

આ બન્ને સિરીઝમાં ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ થયેલ ખેલાડીનો સમાવેશ થતો નથી, કારણ કે ભારતીય ટીમ જૂન મહિનામાં ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ સિરીઝની ફાઈનલ રમ્યા બાદ ઈંગ્લેન્ડમાં જ રોકાશે અને ઓગસ્ટમાં ઈંગ્લેન્ડ સામે રમાનારી 5 ટેસ્ટ મેચની સિરીઝ માટે તૈયારી કરશે.

શ્રીલંકા માટે ટીમ ઈન્ડિયા
બેટ્સમેનઃ શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, નીતિશ રાણા
વિકેટકિપરઃ ઈશાન કિશન, સંજૂ સેમસન
ઓલરાઉન્ડરઃ હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, કુષ્ણપ્પા ગૌતમ
બોલરઃ યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, દીપક ચાહર, નવદીપ સૈની, ચેતન સાકરિયા

ભારતીય ટીમમાં પસંદગી પામેલ ચેતન સાકરિયા કોણ છે
ચેતન સાકરિયા સૌરાષ્ટ્રનો ફાસ્ટ બોલર છે.વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારનો ચેતન બાળપણથી ક્રિકેટનો જબરો શોખ ધરાવતો હતો, પરંતુ એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા, પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રાખી.ત્યારબાદ ચેતને પાછું વળીને જોયું નથી અને આ વખતે IPL ઓક્શનમાં હોટ પ્રોપર્ટી બન્યો. 22 વર્ષીય ફાસ્ટ બોલરે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 4.90ના ઈકોનોમી રેટથી રન આપતાં 12 વિકેટ લીધી હતી.​​​​​​​પોતાની જર્ની વિશે વાત કરતાં ચેતને 13-14 વર્ષની ઉંમરે રમવાનું શરૂ કર્યું હતું.