આજે ટીમ ઈન્ડિયા આફ્રિકા સામે કરો યા મરોના નારા સાથે મેદાનમાં

June 17, 2022

ભારતીય ટીમ સાઉથ આફ્રિકાની સામે પાંચ મેચની ટી20 સિરીઝમાં બરાબરી હાંસલ કરવાના ઉદ્દેશ સાથે શુક્રવારે મેદાનમાં ઊતરશે. પ્રથમ બે મેચ સાઉથ આફ્રિકા જીતી ગયું હતું પણ વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી T20 મેચ ટીમ ઈન્ડિયાએ જીતી લઈને સિરીઝને જીવંત રાખી હતી.

હજુ પણ સાઉથ આફ્રિકાની ટીમ 2-1થી આગળ હોવાથી હવે સિરીઝમાં ટકી રહેવા માટે ટીમ ઈન્ડિયા માટે ચોથી T20 જીતવી અનિવાર્ય બની ગઈ છે તેથી શુક્રવારે રાજકોટમાં ટીમ ઈન્ડિયા સામે કરો યા મરોના નારા સાથે મેદાનમાં ઊતરશે. ભારતીય સમય અનુસાર શુક્રવારે સાંજે સાત કલાકે બન્ને દેશ વચ્ચેની ચોથી T20 મેચનો આરંભ થશે અને તેનો ટોસ 6:30 કલાકે ઉછાળવામાં આવશે.

દક્ષિણ આફ્રિકાની ટીમ સામે ભારતનો રેકોર્ડ જોઈએ તો ઘરઆંગણે રમાયેલી 18 મેચમાંથી 10 ભારતે જીતી લીધી છે. આ ફોર્મેટમાં આ ટીમ સામે સૌથી વધારે મેચ વિજય ઓસ્ટ્રેલિયાએ મેળવ્યો છે. બીજા નંબર પર ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનની ટીમ છે. બન્ને ટીમોએ 11-11 મેચ પોતાના નામે કરેલી છે. જો ભારતીય ટીમ રાજકોટની મેચ જીતી જશે તો તે આ બન્ને ટીમની બરાબરી કરી લેશે.