ટેનિસ સ્ટાર યોકોવિચ અને તેની પત્નીને પણ કોરોનાનો ચેપ લાગ્યો

June 27, 2020

બેલગ્રાડેઃ કોરોના મહામારી છતાં તમામ સાવચેતીના સૂચનોને નેવે મૂકીને પોતાની આગવી ચેરિટી ટેનિસ ટુર શરૂ કરનારા વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર યોકોવિચ અને તેની પત્નીને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો. યોકોવિચની ટુર્નામેન્ટમાં રમનારા ચાર ખેલાડીઓને કોરોના થતાં તે ટુર પડતી મૂકવામાં આવી છે. મહામારીને અવગણીને ટુરનું આયોજન કરનારા યોકોવિચની ટેનિસ સ્ટાર્સ અને ચાહકો ટીકા કરી રહ્યા છે, ત્યારે તેના પિતા સર્જાન યોકોવિચ તેના બચાવમાં આગળ આવ્યા છે. નોવાક યોકોવિચના પિતા સર્જાને જણાવ્યું છે કે, મારો પુત્ર નિર્દોષ છે. હાલની પરિસ્થિતિ માટે બલ્ગેરિાયનો ટેનિસ ખેલાડી ડિમિટ્રોવ દોષિત છે. તે ટુરમાં જોડાયો ત્યારે સંભવતઃ બીમાર હતો. હવે તેને ચેપ ક્યાંથી લાગ્યો તેની મને ખબર નથી. તેનો ટેસ્ટ અહીં થયો નથી પણ બીજે ક્યાંક થયો છે. તે યોગ્ય નથી. તેના ઈન્ફેક્શનથી ક્રોએશિયા અને સર્બિયાને ફટકો પડયો છે. હાલની પરિસ્થિતિમાં કોઈને રાહત નથી.

ત્રણ વખત ગ્રાન્ડ સ્લેમનો સેમિ ફાઈનલિસ્ટ રહી ચૂકેલો ડિમિટ્રોવ એવો પહેલો ખેલાડી બન્યો હતો કે, જે યોકોવિચની ટુરમાં સામેલ હોય અને તેને કોરોનાનો ચેપ લાગ્યો હોય. પછી સર્બિયાના બોર્ના કોરિક અને વિક્ટર ટ્રોઈસ્કિને ચેપ લાગ્યો હતો. જે પછી યોકોવિચને પણ સંક્રમણ થયું છે. બલ્ગેરિયાનું પ્રતિનિધિત્વ કરતો ડિમિટ્રોવ અમેરિકાથી સર્બિયા પહોંચ્યો હોવાનું મનાય છે. તે હાલમાં મોનાકો ખાતે સારવાર લઈ રહ્યો છે.

દરમિયાનમાં યોકોવિચની સાથે બાસ્કેટબોલ રમતો જોવા મળેલો સર્બિયાનો એનબીએ સ્ટાર નિકોલા જોકિચ પણ કોરોનાના વાઈરસના સંક્રમણમાં સપડાયો છે. યોકોવિચે તો ઘટના બાદ તમામ ચાહકો અને ખેલાડીઓની માફી માંગી હતી અને તેની ચેરિટી ટુરને પડતી મૂકવામાં આવી હતી. અગાઉ યોકોવિચની ચેરિટી ટુર્નામેન્ટ દરમિયાન તેના સહિતના ખેલાડીઓ અને ચાહકો માસ્ક વિના તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ વિના મેચ રમતાં અને મજા માણતા જોવા મળ્યા હતા. ખેલાડીઓ એકબીજાની નજીક જતાં, તાળી આપતાં તેમજ ભેટતાં પણ જોવા મળ્યા હતા,જેની ટીકા પણ થઈ હતી.