LAC પર તણાવ ઘટ્યો: ગાલવાન ખીણમાં ચીની સેનાની 2 કિ.મી પીછેહઠ

June 04, 2020

નવી દિલ્હી : લદ્દાખ ખાતેની ગાલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેનાએ થોડી-થોડી પીછેહઠ કરી છે. એક અહેવાલ પ્રમાણે ચીનની સેનાએ 2 કિમી અને ભારતીય સેનાએ પોતાની જગ્યાએથી એક કિમીની પીછેહઠ કરી છે. બંને દેશની સેનાઓ અનેક સપ્તાહથી ત્યાંના ફિંગર ફોર ક્ષેત્રમાં એકબીજા સામે અડગ બનીને ઉભેલી હતી.

ગાલવાન ઘાટીના ફિંગર ફોર ક્ષેત્રમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તણાવ વ્યાપ્યો છે. ત્યાંનું પૈંગોંગ ક્ષેત્ર સૌથી વધુ વિવાદાસ્પદ છે. આગામી 6 જૂનના રોજ યોજાનારી બેઠકમાં પૈંગોંગ પર જ ફોકસ રહે તેવી સંભાવના છે. અનેક સપ્તાહથી ચીની સેના ભારતના નિયંત્રણમાં રહેલા ફિંગર ફોર ક્ષેત્રમાં તૈનાત રહી હતી.

લદ્દાખના સરહદી ક્ષેત્રમાં ચીનની સેના પોતાનો દમ દેખાડવા પ્રયત્ન કરી રહી છે અને સામે ભારતીય સેના પણ અડગતાથી તેનો સામનો કરી રહી છે. બંને પક્ષે વાતચીત પણ ચાલુ છે પરંતુ તેમ છતા હજુ સુધી ઘર્ષણનો અંત નથી આવ્યો. આ કારણે ફરી એક વખત બંને દેશી સેના વાતચીત કરવા જઈ રહી છે અને બેઠક માટે 6 જૂન પ્રસ્તાવિત છે. આ બેઠકમાં બંને દેશની સેનાઓના લેફ્ટિનેન્ટ જનરલ રેન્કના અધિકારી સહભાગી બનશે.

ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોવાથી આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત તરફથી લેહ ખાતેની 14 કોર્પ કમાન્ડરનું ડેલિગેશન આ બેઠકને લીડ કરશે. સરહદ પરના સંકટના અંત માટે આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે.

પૂર્વીય લદ્દાખમાં મે મહીનાની શરૂઆતથી આ વિવાદ ચાલી રહ્યો છે. લદ્દાખમાં LAC ખાતે ભારત તરફથી માર્ગ નિર્માણનું કામ ચાલુ હતું તેનો ચીને વિરોધ કરેલો અને ત્યારબાદ 5 મેના રોજ પૈંગોંગ લેક પર બંને સેનાઓ બાઝી પડી હતી. આ અથડામણમાં જવાનો ઘાયલ થયા હતા અને ત્યારબાદ ચીને ત્યાં સૈનિકોની તૈનાતી વધારવા સાથે તંબૂ તાણીને સક્રિયતા વધારી દીધી હતી. LAC ખાતે ચીનની આ હરકતનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો અને ભારતીય સેના પણ ત્યાં અડગ બનીને તૈનાત થઈ ગઈ હતી.