ચીન સાથે તણાવ ચરમસીમાએ, તાઈવાને શરૂ કર્યો પોતાનો સૌથી મોટો યુધ્ધાભ્યાસ

July 27, 2022

નવી દિલ્હી- અમેરિકા અને તાઈવાન વચ્ચેનો તનાવ હવે ચરમસીમાએ પહોંચી રહ્યો છે. અમેરિકન સંસદના અધ્યક્ષ નેંસી પેલોસીની તાઈવાન મુલાકાતને લઈને  ચીને ધમકી આપી છે કે, જો પેલોસી તાઈવાનની મુલાકાત લેશે તો ચીન ચૂપ નહીં બેસે. બીજી તરફ અમેરિકન સુરક્ષા એજન્સીઓના અધિકારીઓએ ચેતવણી આપી છે કે, ચીન પેલોસીના વિમાન પર હુમલો કરે તેવી પૂરી શક્યતા છે.


બીજી તરફ તાઈવાન ચીનની ધમકીથી છંછેડાયુ છે. તેણે દેશની સૌથી મોટી મિલિટરી એક્સરસાઈઝ શરૂ કરીને ચીનને કોઈ પણ પ્રકારની ગુસ્તાખી કરવાથી દુર રહેવાનો સંદેશ આપ્યો છે અને સાથે સાથે પોતાની લશ્કરી તાકાત કેટલી છે તેનો પરિચય પણ આપ્યો છે. તાઈવાનની નૌસેના અને વાયુસેના સંયુક્ત રીતે યુધ્ધાભ્યાસ કરી રહી છે.જેના ભાગરૂપે નાગરિકોને પણ હુમલાની સ્થિતિમાં તાત્કાલિક ઘોરણે ઓફિસો અને મકાનોને ખાલી કરીને બંકરમાં જતા રહેવા માટે પણ ગઈકાલે આદેશ અપાયો હતો.તાઈવાનનો યુધ્ધાભ્યાસ 29 જુલાઈ સુધી ચાલવાનો છે.


તાઈવાનને આશંકા છે કે, ચીન ગમે ત્યારે હુમલો  કરી શકે છે અને તેના કારણે તાઈવાને પોતાના રિઝર્વ સૈનિકોની ટ્રેનિંગ વધારી દીધી છે.તાઈવાનની સંસદે સંરક્ષણ બજેટ માટે વધારાના 8.6 અબજ ડોલરનો ખર્ચ કરવાની મંજૂરી આપી છે.આ વર્ષે એમ પણ તાઈવાનનુ સંરક્ષણ બજેટ 17 અબજ ડોલરને પાર કરી ગયુ છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન અને જીનપિંગ વચ્ચે તાઈવાનને લઈને ગુરવારે વાતચીત પણ થવાની છે.ચાર મહિના બાદ પહેલી વખત બંને નેતાઓ એક બીજાની સાથે વાત કરશે.