કેનેડાથી અમદાવાદ પિતાને મળવા આવેલી 25 વર્ષીય દીકરીનું વડોદરાની હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ, મૃતદેહ પરથી સોનાની બુટ્ટી-મોબાઈલની ચોરી

May 03, 2021

વડોદરા : વડોદરા નજીક પીપળીયા ગામ પાસે આવેલી ધીરજ હોસ્પિટલના કોરોના વોર્ડમાં કોરોના સંક્રમિત NRI યુવતીનું મોત નિપજ્યા બાદ યુવતીએ કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી અને તેની પાસેના એપલ કંપનીના મોબાઈલ ફોનની ચોરી થતાં પરિવારજનોએ વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં રહેતા કલ્પેશભાઈ ઠક્કર ખાનગી કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે ફરજ બજાવે છે. કેનેડામાં રહેતી તેઓની 25 વર્ષીય દીકરી અમીબેનમ 21 ફેબ્રુઆરીના રોજ પિતાને મળવા માટે અમદાવાદ આવી હતી. દરમિયાન અમીબેન કોરોના સંક્રમિત થતાં તેઓને ધીરજ હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડમાં દાખલ કરાયા હતા . હોસ્પિટલમાં સારવાર દરમિયાન અમીબેન પાસે રૂપિયા 60 હજારની કિંમતનો એપલ કંપનીનો મોબાઇલ ફોન હતો અને રૃપિયા 24,410 ની કિંમત ધરાવતી કાનમાં ચાર નંગ સોનાની બુટ્ટી પહેરી હતી.

કોરોના વોર્ડમાં દીકરીને મળવા માટે પ્રતિબંધ હોવાથ પિતા બિલ્ડિંગના નીચે બેસી રહેતા હતા. 22 એપ્રિલના રોજ સારવાર દરમિયાન અમીબેનનું મોત નીપજ્યું હતું . જેથી હોસ્પિટલ સ્ટાફે મૃતદેહને પીપીઇ કીટમાં વીંટાળીને પરિવારને સોંપ્યો હતો. તે વખતે અમીબેનને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી ગાયબ હતી અને હોસ્પિટલ સ્ટાફે આપેલી થેલીમાં બે પૈકી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જ્યારે એપલ કંપનીનો મોબાઇલ ફોન મળી આવ્યો ન હતો.

હોસ્પિટલ સ્ટાફના કર્મચારીએ આ બાબતે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો, જેથી પરિવારજનોએ મૃતકનું અંતિમ ક્રિયા બાદની વિધિ પૂર્ણ કરી ફરિયાદ નોંધાવી હતી.