નિઝામપુરામાં ટયૂશન ક્લાસના સંચાલકે ધો.10ની વિદ્યાર્થિનીને દારૂ પીવડાવતા ચકચાર

August 05, 2022

શહેરના નિઝામપુરાના અપર્ણ કોમ્પલેક્સમાં આવેલા એજ્યુકેટ ફર્સ્ટ નામે ટયુશન ક્લાસ ચલાવતા 44 વર્ષિય સંચાલકે ધો.10ની વિદ્યાર્થિનીને ક્લાસ રૂમમાં જ દારૂ પીવડાવતા ચકચાર મચી છે. દારૂ પીધા પછી વિદ્યાર્થિનીની તબિતય લથડતાં આરોપી શિક્ષક તેને રીક્ષામાં ઘરે લઈ ગયો હતો. જ્યાંથી વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી,

આખી ઘટનાનો રાઝ ખુલતા પોલીસે શિક્ષક વિરુદ્વ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ આપવાને બદલે ગુરૂ મનાતા શિક્ષકે જ વિદ્યાર્થિનીને દારૂના રવાડે ચઢાવતાં તેના આ શરમજનક કૃત્યને લઈ શિક્ષણ જગતમાં પણ ભારે ચકચાર મચી ગઈ છે.

પોલીસ ફરિયાદમાં દાખલ કરેલી વિગતો મુજબ, વાસણા રોડની 15 વર્ષિય વિદ્યાર્થિની સમાની સ્કુલમાં ધો.10માં અભ્યાસ કરે છે. બપોરે સ્કુલમાંથી છુટી સગીર વિદ્યાર્થિની નિઝામપુરા અર્પણ કોમ્પલેક્સમાં આવેલા એજ્યુકેટ ફર્સ્ટ ટયુશન ક્લાસમાં જાય છે. રોજ વિદ્યાર્થિનીને તેના માતા ક્લાસમાંથી છુટયાં બાદ ઘરે લઈ જાય છે.

તા. 3 ઓગસ્ટે વિદ્યાર્થિનીની તબિયત સારી ન હોવાથી સ્કુલે ગઈ ન હતી. જોકે, બપોરે 3.30 વાગ્યે તે રીક્ષામાં બેસી ટયુશન ક્લાસ પર પહોંચી હતી. મોડીસાંજે 7 વાગ્યા સુધી વિદ્યાર્થિની ઘરે નહીં પહોંચતા માતાએ તેને ફોન કરતાં તેણે હું ક્લાસીસમાં છું, તેમ કહી ફોન કટ કરી દીધો હતો.