બોડો-કેન્દ્ર સરકાર વચ્ચે સમજૂતી 1550 ઉગ્રવાદી આત્મસમર્પણ કરશે

January 28, 2020

ગુવાહાટી : આસામમાં છેલ્લા 50 વર્ષથી અલગ બોડો રાજ્યની માગણી ઉગ્રવાદીઓ કરી રહ્યા છે અને આ માટે હિંસક આંદોલનથી દેખાવો કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ હિંસામાં 2823 લોકો માર્યા ગયા છે.

આ પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે વધુ એક વખત આ ઉગ્રવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે. કેન્દ્ર સરકાર અને ઉગ્રવાદી સંગઠન નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેંડના આગેવાનોએ એક સમજૂતી કરી છે.

જે અંતર્ગત સરકારે બોડો આદિવાસીઓ અને અન્ય નાગરિકોના હિત માટે પ્રયાસો કરવાની ખાતરી આપી છે જેને બોડો આંદોલનકારીઓ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે.  બોડો ઉગ્રવાદીઓ અને સરકાર વચ્ચે અત્યાર સુધીના ઇતિહાસમાં આ ત્રીજી સમજૂતી છે.

એવા અહેવાલો છે કે બોડો ઉગ્રવાદી નેતાઓના નિર્ણયને સંગઠનના 1550 કેડરે પણ માન્ય રાખ્યો છે અને હાલ હથિયારો મુકી દીધા છે. સરકારના અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને બોડો ઉગ્રવાદીઓના નેતાઓની હાજરીમાં બન્ને વચ્ચે કરાર થયા છે.

આ કરાર મૂજબ બોડો આદિવાસીઓને કેટલાક રાજકીય અધિકારો અને સમૂદાયના કેટલાક લોકોને આર્થિક સહાય પેકેજ આપવાની ખાતરી આપવામાં આવી છે. જોકે આ કરારોમાં અલગ બોડો લેન્ડ રાજ્ય બનાવવાની માગણીને સ્વીકારવામાં નથી આવી. આ કરાર બંધારણને અનુસરીને કરવામાં આવ્યા છે. 

આસામના મંત્રી હિમન્તા બિસ્વાએ દાવો કર્યો હતો કે આ કરારો બાદ સંગઠનના 1550 ઉગ્રવાદીઓએ 30મી જાન્યુઆરીએ પોતાના હથિયારો મુકી આત્મસમર્પણ કરવાની જાહેરાત કરી છે. 

બીજી તરફ સરકાર અને બોડો સંગઠનો વચ્ચે શાંતિ કરાર થયા બાદ બીજી તરફ બિન બોડો સંગઠનો વિફર્યા છે અને તેમને 12 કલાક આસામ બંધ પાળવાની જાહેરાત કરી છે. જેને પગલે આસામના ચાર જિલ્લાઓમાં તેની અસર જોવા મળી હતી.

હિંસાની નાની મોટી ઘટનાઓ સિવાય કોઇ મોટી જાનહાની જેવી ઘટના સામે નથી આવી. બિન બોડો સંગઠનોની માગણી છે કે માત્ર બોડો જ નહીં પણ બિન બોડો નાગરિકોનો સમાવેશ પણ આ કરારોમાં કરવામાં આવે.