બાળકો માટેની કોવિડ-19ની રસીનો જથ્થો પહેલી વખત કેનેડા પહોંચ્યો

November 27, 2021

  • પાંચથી અગિયાર વર્ષથી ઉંમરના બાળકો માટે ફાયઝર બયોનટેકે રસી બનાવી
ઓન્ટેરિયો: બાળકો માટે કોવિડ-19ની રસીનો જથ્થો પહેલી વખત રવિવારે સાંજે કેનેડામાં હેમિલ્ટન ખાતે આવી પહોંચ્યો હતો. આ રસી ફાયઝર બયોનટેકે વિકસાવી છે અને 5-11 વર્ષની ઉંમરના બાળકોને આ રસી આપી શકાશે. કેન્દ્ર સરકાર અને ફાર્માસ્યુટિકલ્સની ગંજાવર કંપનીએ 2.9 મિલિયન ડોઝ આ સપ્તાહના અંત સુધી તૈયાર કરવા માટે સહમતી દર્શાવી છે. હેલ્થ કેનેડાએ આ રસીને માન્યતા આપ્યા બાદ તેનો પુરવઠો ઝડપથી કેનેડામાં આવી રહ્યો છે.
રોઝમેરી બાર્ટન કે જે કેનેડાની ફાયઝર બાયોટેકના હેડ છે, તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ક્લિનિકલ ટ્રાયલ પહેલી વખત કરવામાં આવ્યું હતુ, ત્યારે કોવિડ-19ની રસીની અસરકારકતા 91% જોવા મળી હતી અને નક્કી કરેલા વયજૂથના લોકો માટે આ રસી દેશભરમાં આ સપ્તાહના અંત સુધી પહોંચાડી દેવામાં આવશે. આ ટ્રાયલમાં 4600 બાળકો ઉપર ટ્રાયલ કરવામાં આવ્યું હતું અને તેમાં સારી એવી સફળતા મળી હતી એમ રોઝમેરી બાર્ટને મીડિયાને જણાવ્યું હતું. ફાયઝર તરફથી જે પીડિયાટ્રિક રસીનું ઉત્પાદન કરાઈ રહ્યું છે, તેના ડોઝનું માપ 12 વર્ષ કે તેથી મોટી વયના લોકોને આપવામાં આવી રહેલા ડોઝ કરતા ત્રીજા ભાગનું છે. આ રસીમાં એક પરિવર્તન કરવાંમાં આવ્યું છે. તેથી આ રસી સામાન્ય ઉષ્ણતામાનમાં પણ લાંબા સમય સુધી રાખી શકાશે. એક તરફ કેટલાક આરોગ્ય સત્તાવાળાઓ આ રસીને આવકાર આપી રહ્યા છે અને આ રસીને કારણે રસીકરણનો દર સમગ્ર દેશમાં વધશે તેમ માને છે. ત્યાં બીજી તરફ કેટલાક માતા-પિતાઓ પોતાના બાળકોને આ રસી મુકાવતા ડરી રહ્યા છે. પેકવીંટે જણાવ્યું હતું કે, લોકોમાં આવી ચિંતાઓ હોય તે સ્વાભાવિક છે. પરંતુ તેમણે વાલીઓને વિનંતી કરી હતી કે, તેઓ વિજ્ઞાન ઉપર ભરોસો રાખે અને હેલ્થ કેનેડા તરફથી પ્રક્રિયામાં જે બદલાવ કરવામાં આવ્યો છે તે વાલીઓના ડરને દૂર કરવા માટે છે. જે બાળકોના વાલીઓ આ રસી મુકાવતા ડરે છે તેમને હું વિનંતી કરું છું કે, તેઓ આરોગ્ય ખાતાની નર્સીસ અને ઇમ્યુનાઇઝર સાથે ચર્ચા વિચારણા કરે અને રસી બાબતે સંતોષકારક નિર્ણય કરે. તમારા ડોક્ટર પણ તમને આ બાબતમાં મદદરૂપ બની શકે છે. સરકાર તરફથી પણ કેટલીક વધુ માહિતી જાહેર કરવામાં આવી છે. જે તમારા બાળકો માટે ફાયદાકારક છે.