મેડિક્લેઈમની રકમ પણ આવકમાંથી બાદ નહિ મળે

February 02, 2020

અમદાવાદ : નાણાં મંત્રીએ વ્યક્તિગત કરદાતાઓને વેરામાં રાહત આપવાનો દેખાવ કરીને તેમને 70 ટકા જેટલા વેરાના લાભથી વંચિત કરી દઈને રીતસરના ખંખેરી લીધા છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે સંસદમાં રજૂ કરેલા બજેટમાં વ્યક્તિગત કરદાતાઓ માટેના 5, 10,15, 20, 25 અને 30 ટકાના મળી કુલ છ સ્લેબ કર્યા છે.

અગાઉ ત્રણ જ સ્લેબ હતા. આ સ્લેબમાં વધારો કરીને રાહત આપી હોવાનો નિર્દેશ આપવાની નાણાં મંત્રીએ કોશિશ કરી છે, પરંતુ વાસ્તવમાં વેરા લાભ મળશે તેવી શક્યતા નાબૂદ થઈ રહી છે.ધંધા સિવાયની આવક ધરાવતા વ્યક્તિગત કે એચયુએફ કરદાતાઓ પગાર, વ્યાજ, ભાડું, કેપિટલ ગેઈન કે પેન્શન સહિતની અન્ય  આવક હોય તેમને માટે આ નવી જોગવાઈ ફરજિયાત કરવામાં આવી છે.

ધંધાકીય આવક ધરાવતા કરદાતા એક વાર આ વિકલ્પનો આશરો લેશે તો ત્યારબાદના દરેક વર્ષમાં તેમને માટે આ વિકલ્પ લેવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આ જ રીતે આ વિકલ્પનો આશરો લેનાર કરદાતાએ સમયસર રિટર્ન ફાઈલ કરવા ફરજિયાત છે. તેમાં ચૂક થાય તો પણ તેમને માટે આ ઓપ્શન રહેશે નહિ. 

નવી જોગવાઈનો લાભ લેનારાએ હોસ્ટેલ એલાવન્સ અને ચિલ્ડ્રન એજ્યુકેશન એલાવન્સને બાદ કરાવવાના લાભ જતાં કરવા પડશે. કલમ 10 (32) હેઠળ સગીર વયના બાળકોને મળતા ભથ્થાની વાષક રૂા.1500ની આવક બાદ ન લેવાની શરતે જ નવી જોગવાઈનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

કલમ 80 સી હેઠળ એલઆઈસી, પીપીએફ, કલમ 80 સીસી એલઆઈસીના પેન્શન પ્લાન કરવામાં આવેલા રોકાણ બાદ ન આપવાની દરખાસ્ત મૂકી છે. 80 ડી હેઠળ મેડિક્લેઈમના પ્રીમિયમ બાદ આપવાનું ના પાડી દેવામાં આવશે. કલમ 80 ડીડીબી હેઠળ મેડિકલ ટ્રીટમેન્ટનો આવકમાંથી બાદ આપવામાં આવતો ખર્ચ બાદ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.

કલમ 80 ઈ હેઠળ એજ્યુકેશન લોન પર ચૂકવવામાં આવતું વ્યાજ બાદ ન આપવાની દરખાસ્ત આ બજેટમાં મૂકવામાં આવી છે. નવા મકાનની ખરીદેલા મકાન પરનું વધારાનું રૂા. 1 લાખનું વ્યાજ કલમ 80 ઈઈ હેઠળ બાદ આપવામાં આવતું હતું તે બંધ કરવામાં આવ્યું છે.

કલમ 80 જી હેઠળ મળવાપાત્ર ડોનશન આવકમાંથી બાદ ન આપવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. ધંધો કરનારાઓને તેમની આવકમાંથી રહેઠાણના મકાનના ભાડા પેટે ચૂકવવા પડતા રૂા. 24000 સુધીની રકમ આવકમાંથી બાદ આપવામાં આવતી હતી, તે બંધ કરી દેવાની દરખાસ્ત નાણાં મંત્રીએ મૂકી છે. 

બજેટમાં કરવામાં આવેલી નવી જોગવાઈ પ્રમાણે  પોતાના રહેઠાણ માટે લેવામાં આવેલી બેન્ક લોન પર ચૂકવવામાં આવેલા વ્યાજની રકમ બાદ આપવામાં આવશે. પહેલા રૂા. 2 લાખનું વ્યાજ આવકમાંથી બાદ આપતા હતા.

આ બાદ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. કરદાતા પાસે બીજી મિલકત હોય અને તેના પર ભાડાંની આવક ન થતી હોય તો તેવા સંજોગોમાં વેકેન્ટ એલાવન્સનો આપવામાં આવતો લાભ પણ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.